અમરેલી જિલ્લામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી દરમિયાન પણ અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. સાવરકુંડલા-મહુવા રોડ પર ગોરડકા ગામ પાસે એસટી બસની ટક્કરથી વિજપડી ગામના રત્ન કલાકાર યુવકનું મોત થયું હતું. બનાવ અંગે વિજપડી ગામના હિંમતભાઈ રણછોડભાઈ જીંજવાડીયા (ઉ.વ.૫૨)એ જીજે-૧૮-ઝેડ-૩૮૩૯ નંબરની બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમનો પુત્ર સુરેશ વિજપડીથી સાવરકુંડલા રાતપાળીમાં હીરા ઘસવાના કામે આવતો હતો ત્યારે મહુવા-રાજકોટ રૂટની ઉપરોક્ત નંબરની એસટી બસના ડ્રાઇવરે તેને ટક્કર મારી હતી. જેમાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને ડ્રાઇવર બસ મૂકીને નાસી ગયો હતો. મોટા દેવળીયા ગામે રહેતા અને પશુપાલનનો ધંધો કરતા રાજુભાઈ જેઠાભાઈ ગોલતર (ઉ.વ.૩૩)એ જાહેર કર્યા મુજબ, તેમના પિતા બાઇક લઈને બાબાપુર ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. આ દરમિયાન માયાપાદરથી લુણીધાર રેલવે ફાટક વચ્ચે આવેલા વળાંકમાં કોઈ અજાણ્યો ચાલક તેમને ટક્કર મારી મોત નિપજાવી નાસી ગયો હતો. ખાંભાના નાના બારમણ ગામે રહેતા અનિલભાઈ અરજણભાઈ પરમાર (ઉ.વ.૩૩)એ અલ્ટો કાર ચાલક સામે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનો પુત્ર તથા તેમનો ભાઈ અશ્વિન બાઇક લઇને નાગેશ્રી ગામેથી બારમણ આવતા હતા ત્યારે ફોર વ્હીલ ચાલકે તેમને ટક્કર મારી હતી. જેમાં તેમના પુત્રને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે લઈ જવાયો હતો, જ્યાં તેનું મોત નિપજ્યું હતું. જ્યારે ભાઈને ગંભીર ઈજા પહોંચી હતી. સાવરકુંડલાના કરજાળા ગામે રહેતા ભાનુબેન વિનુભાઈ ઝીંઝુવાડીયા (ઉ.વ.૫૦)એ ટ્રેકટર ચાલક સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પતિ-પત્ની, પુત્રી અને પ્રપૌત્ર બાઇક લઇને સાવરકુંડલાથી કરજાળા ગામ જવા નીકળ્યા હતા. આ દરમિયાન અમરેલી રોડ ગેઇટ પાસે પહોંચતા એક ટ્રેક્ટર ચાલકે આવી તેમને ટક્કર મારી હતી. જેમાં તેમને ચારેયને ઈજા પહોંચી હતી.