અમરેલી જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવ બન્યા હતા. જેમાં એક વ્યક્તિનું મોત અને બે લોકો ઘાયલ થયા હતા. સાવરકુંડલાના જાબાળ ગામે રહેતા મનુભાઈ ઉર્ફે મુનો જીણાભાઈ વાઘેલા (ઉ.વ.૪૧)એ જાહેર કર્યા મુજબ, પ્રવિણ ઉર્ફે દકુ જીણાભાઈ વાઘેલા (ઉ.વ.૩૬)એ તેમની બાઈક રસ્તા વચ્ચે પડેલા બાવળના ઝાડ સાથે ભટકાવી હતી. જેથી ગંભીર ઈજા થવાથી મોત થયું હતું. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેસનના પીએસઆઈ એન.એસ. મુસાર વધુ તપાસ કરી રહ્યા છે. બીજા બનાવમાં મૂળ મધ્યપ્રદેશના અને હાલ અમરેલીમાં રહેતા શુભમ શર્મા (ઉ.વ.૨૫)એ અજાણ્યા ટ્રેક્ટર ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ ભાવનગરથી અમરેલી જતા હતા ત્યારે રસ્તામાં લાઠી નજીક પહોંચતા સામેથી આવતા કોઈ અજાણ્યા ટ્રેક્ટરના ચાલકે અડફેટે લેતાં ફ્રેક્ચરની ઈજા થઈ હતી. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.એલ. ખેર વધુ તપાસ કરી રહ્યા છે. ત્રીજા બનાવમાં ખાંભાના ડેડાણ ગામે રહેતા મહેશભાઈ ભવાનભાઈ ચૌહાણ (ઉ.વ.૨૭)એ જીજે-૩૨-જે-૨૭૮૮ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ તથા સાહેદ પ્રવિણભાઇ ભીમાભાઇ મકવાણા તેમના મામા મનસુખભાઇની હિરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ આર.ટી.ઓ.રજી.નં.GJ-૧૪-BH-૩૨૭૬ ની લઇને તેમના ઘરેથી જામકા રોડ ઉપર મામા મનસુખભાઇના કારખાને લેવલ પટ્ટી લેવા જતા હતા ત્યારે ડેડાણ ગામે આવેલ જામકા રોડ ઉપર આવેલ પાચાભાઇ મકવાણાના ઘર પાસે પહોચતા GJ-૩૨-J-૨૭૭૮ ના મોટર સાયકલ ચાલકે રોંગ સાઇડમાં ચલાવી આવી તેમના હવાલાની મોટર સાયકલ સાથે અથડાવી નીચે પછાડી દેતા સાહેદ પ્રવિણભાઇને ડાબા પગના ગોઠણના ભાગે છોલાણ જેવી ઇજા થઈ હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.પી. ગાજીપરા વધુ તપાસ કરી રહ્યા છે.