અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી નીચે આવતી સરકારી અને ગ્રાન્ટેડ કોલેજમાં ફરજ બજાવતા સેવકોને જિલ્લા શિક્ષણ અધિકારીએ જુનિયર કલાર્કમાં બઢતી આપતા સેવકોમાં આનંદ છવાયો છે. અમરેલી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી હસ્તક સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા ચાર સેવકોને જુનિયર કલાર્કનું પ્રમોશન આપવામાં આવતા સેવકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી એ.બી.ગોહિલે જણાવ્યું હતું કે, ચાર સેવકોને ૩૧ ડિસેમ્બર પહેલા પ્રમોશન આપવામાં આવતા આ સેવકોને ૧ જુલાઈનો ઈજાફાનો લાભ મળશે. જો એક દિવસ મોડું પ્રમોશન આપવામાં આવ્યું હોત તો આ કર્મચારીઓને એક ઈજાફાનો લાભ મળત નહી. આમ જિલ્લા શિક્ષણાધિકારીની પ્રેરણાદાયી પહેલને તમામ કર્મચારીઓએ આવકારી આભારની લાગણી વ્યકત કરી હતી.