સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપ દ્વારા પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે. જો કે આ યાદીમાં હજુ અમરેલી જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકાઓનો સમાવેશ ન થતા દાવેદારોમાં કોને ટિકીટ મળશે તે અંગે રહસ્ય ઘેરાયુ છે. ખાસ કરીને જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં ભાજપમાંથી દાવેદારોનો રાફડો ફાટ્યો છે ત્યારે ભાજપ દ્વારા કોઈપણ પક્ષ કે અપક્ષમાંથી ત્રણ ટર્મ ચૂંટણી લડેલાઓને ટિકીટ ન આપવાની સુત્રોમાંથી જાણકારી મળી છે તો ૬૦ વર્ષથી વધુના દાવેદારોની પણ ટિકીટ કપાશે તેવી માહિતી મળતા દાવેદારોએ આખો દિવસ ગાંધીનગર ખાતે ફોન ઘુમાવ્યા હતા. જા કે ભાજપ દ્વારા જીતી શકાય તેવા દાવેદારોને સાઈડલાઈન કરવાનુ નક્કી કર્યુ હોવાથી અનેક દાવેદારોએ અન્ય પક્ષમાંથી ચૂંટણી લડવાનુ મન બનાવ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. અત્રે નોંધનીય છે કે ફોર્મ ભરવાની આવતીકાલે છેલ્લી તારીખ હોય જેથી આજે ભાજપ દ્વારા અમરેલી જિલ્લાની સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કરે તેવુ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.







































