રાજ્યના મત્સ્યદ્યોગ રાજ્યમંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી પરશોત્તમભાઈ સોલંકીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ યોજાઈ હતી. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં અમરેલી જિલ્લાના વિકાસને વેગ આપવા અને લોકોની સુવિધા-સુખાકારીમાં વધારો કરવા રુ.૧૨.૬૧ કરોડના ખર્ચે થનારા ૪૯૧ વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા છે. આ બેઠકમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે સાંસદ ભરતભાઈ સુતરિયા, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, અમરેલી જિલ્લા કલેકટર અજય દહિયા, ધારી-બગસરા-ખાંભા વિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડિયા સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં જિલ્લાના ૧૧ તાલુકાઓ અને ૯ નગરપાલિકાઓ માટે વિવિધ અનુદાન હેઠળ વિકાસ કાર્યોનું આયોજન રજૂ કરવામાં આવ્યું હતું.
આ કામગીરીને લગતી ચર્ચાના અંતે અમરેલી જિલ્લા પ્રભારી મંત્રીએ આ વિકાસ કાર્યોને મંજૂરી આપી હતી, આ સાથે તેમણે પ્રજાલક્ષી આ વિકાસના કામોને સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી હતી. અગાઉ બાકી રહેલા વિકાસના કામોની સમીક્ષા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી, આ કામોને પણ વહેલી તકે પૂર્ણ કરવા નિર્દેશ આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં રુ.૧૨.૬૧ કરોડના ખર્ચે થનાર ૪૯૧ વિકાસના કામોમાં રસ્તા, ભૂગર્ભ ગટર, પૂર સંરક્ષણ દિવાલ, કોઝ-વે, વોશિંગ-ઘાટ, આંગણવાડી, સ્ટ્રીટ લાઈટ, બસ સ્ટેન્ડ વગેરે જેવા માળખાકીય અને જનસુખાકારીના કામોને આવરી લેવામાં આવ્યા છે.