અમરેલી જિલ્લાના પાયાના પ્રશ્નો જેવા કે નેશનલ હાઇવે, રેલવે, ફોરેસ્ટ અને પર્યાવરણ, સિંચાઇ અને પાણી જેવા મહત્વના પ્રશ્નોનું તાકીદે નિવારણ આવે અને અમરેલી જિલ્લો અમરવેલી બની જાય તેવા ધ્યેય સાથે કામ કરતા અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયાની આગેવાનીમાં અમરેલી જિલ્લાના પાંચેય ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા હતા. અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા, સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઇ કસવાલા, હીરાભાઇ સોલંકી, જનકભાઈ તળાવીયા, જે.વી. કાકડીયા દિલ્હી પહોચ્યા હતા. દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ તથા લોકસભાના સ્પીકર ઓમ બિરલા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી ત્યાર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ કાયદો અને વ્યવસ્થા બાબતે મુલકાત કરી ચર્ચા વિચારણા કરી હતી. રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાજી તેમજ કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા અને ભુપેન્દ્ર યાદવજી સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી વિવિધ પ્રશ્નોની ચર્ચા કરી હતી. જ્યારે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ અને સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા અને ઇફ્‌કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી સાથે અમરેલી જિલ્લાના વિકાસની રૂપરેખાઓ લઈને જિલ્લાને નવી ઊંચાઈ પર લઈ જવાની નેમ સાથે સાંસદ અને ધારાસભ્યો કેન્દ્રીય નેતાગીરીને મળ્યા હતા.