જાફરાબાદ તાલુકાના રોહિસા ગામ સહિતના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં દિવાલને રંગરોગાન કરી તેના પર સ્વચ્છતા સંદેશ આપતા ભીંતચિત્રો અને ભીંતસૂત્રો લખીને સ્વચ્છતા માટે જનજાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લાઠી તાલુકાના સુવાગઢ ગામે સરપંચ, સદસ્યોની વિશેષ ઉપસ્થિતિમાં ભૂલકાંઓએ સ્વચ્છતાલક્ષી સામૂહિક કાર્યોના પ્રારંભ માટે પ્રવૃત્તિઓ હાથ ધરી, ‘અમારું ગામ, સ્વચ્છ ગામ’નો સંદેશ પ્રસરાવ્યો હતો. કુંકાવાવ-વડીયા તાલુકાના પંચાયત સદસ્ય, ગામના ઉપસરપંચ અને મહાનુભાવો, અગ્રણીઓ, પદાધિકારીઓના હસ્તે કુંકાવાવ-વડીયા તાલુકાના બરવાળા બાવીશી ગામે વ્યક્તિગત સોકપીટ-કમ્પોસ્ટપીટની કામગીરીના પ્રારંભ માટે પગલાઓ હાથ ધરવામાં આવ્યા હતા.ધારી તાલુકામાં વીરપુર ગામે સરપંચ નિમુબેન જોષી તથા ગામના આગેવાનો દ્વારા સામૂહિક કામોના ખાતમુહૂર્તની કામગીરી કરવામાં આવી હતી. ધારી તાલુકાના મીઠાપુર-નક્કી ગામે મનરેગા વિથ એસબીએમ કન્વર્ઝન વ્યક્તિગત સોકપીટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ સરપંચ દ્વારા બગસરા તાલુકાના હડાળા ગામે સામૂહિક સોકપીટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.