રાજ્યમાં તા.૧૫ ઓક્ટોબર,૨૦૨૪થી ખેડૂત નોંધણી શરુ છે. પી.એમ.કિસાન યોજના તળે આગામી ડિસેમ્બરના હપ્તા માટે ભારત સરકાર દ્વારા ખેડૂત આઈ.ડી.ની નોંધણી ફરજિયાત છે. પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીએ આ લાભ મેળવવા તા.૨૫ નવેમ્બર, ૨૦૨૪ પહેલા નોંધણી કરાવવી. વેબપોર્ટલથી દરેક ગ્રામ પંચાયત કચેરીમાં નોંધણી થશે અને વધુમાં ખેડૂત જાતે પણ નોંધણી કરી શકશે. રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઈ.ડી.ની નોંધણી ફરજિયાત કરવી. ખોટી નોંધણી રદ થશે. ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આંગળીના ટેરવે ખેતીવાડીલક્ષી તમામ ધિરાણ સંબંધી લાભ સરળતાથી મળશે. ખેડૂતોએ આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર અને ૮-અ નકલ, ૭-૧૨ નકલની વિગત સાથે વધુ માહિતી માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર (વિ.સી.ઇ.)નો સંપર્ક કરવા અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.