ભોપાલમાં જન જાગરણ શિબિરને સંબોધન કરતી વખતે દિગ્વિજય સિંહે કહ્યું કે  જીન્સ પહેરતી અને મોબાઇલનો ઉપયોગ કરતી છોકરીઓ નહીં, પરંતુ ૪૦-૫૦ વર્ષની ઉંમરની મહિલાઓ પીએમ મોદીથી પ્રભાવિત છે. આ નિવેદન સાથે દિગ્વિજય સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં દિગ્વિજય સિંહ સમજાવી રહ્યાં છે કઈ ઉંમરની મહિલાઓ પીએમ મોદીથી પ્રભાવિત છે અને કઈ નથી. કોંગ્રેસના કાર્યકરોને સંબોધતા દિગ્વિજય સિંહ કહી રહ્યા છે કે પ્રિયંકા ગાંધીએ અમને એક મોટી રસપ્રદ વાત કહી હતી જે આપણા મનમાં ક્યારેય આવી ન હતી. તેમણે (પ્રિયંકા ગાંધી) કહ્યું હતું કે ૪૦થી ૫૦ વર્ષની મહિલાઓ મોદીથી થોડી વધુ પ્રભાવિત છે, પરંતુ જે છોકરીઓ જીન્સ પહેરે છે અને મોબાઇલ રાખે છે તેમને કોઈ અસર થતી નથી. આ મુદ્દે ચર્ચા કરવાની જરુર છે. તેમણે કહ્યું કે  મોબાઇલ પર એક્ટિવ છોકરીઓ પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે, તેથી કોંગ્રેસ કાર્યકરોએ તેમની સાથે પણ સંપર્ક વધારવો જાઈએ.

ભાજપ ધારાસભ્ય રામેશ્વર શર્માએ જણાવ્યું કે દિગ્વિજય સિંહ માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. મહિલાઓ અંગેની તેમની આ હલકટ કક્ષાની વિચારસરણી છે. તેઓ હવે પાગલ થઈ ગયા છે. હું સોનિયા ગાંધીને પૂછવા માગું છું કે તેઓ આવા

વ્યક્તિને શા માટે પાર્ટીમાં રાખીને બેઠા છે. ધારાસભ્યે કહ્યું કે દિગ્વીજય સિંહે કોંગ્રેસ સાંસદ મીનાશ્રી નટરાજન માટે પણ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો.