લગભગ દરેક દંપતીના પ્રયત્નો હોય છે કે તેમનું જીવન નવલકથા જેવું ન બને. સુગમ અને સરળ. શાન્ત પ્રવાહે વહેતી જીવનધારા દામ્પત્યમાં અનુભવવાની સહુને ઝંખના હોય છે પરંતુ બધાને એ સુખ ઉપલબ્ધ નથી. આજે યુગ કેટલો બદલાઈ ગયો છે એમ આપણે કહીએ છીએ પરંતુ યુગ કદી ક્યાં સ્થગિત રહે છે ? રાજા રામ મોહનરાયના જમાનાનો વિચાર કરો જ્યારે સતી થવું ફરજિયાત હતું. એટલે કે ગમે તેવો ત્રાસ આપનારા પતિના અંતિમ પ્રયાણે સ્ત્રીએ પોતાની જિંદગીની આહુતિ આપી દેવાની. હવે સ્થિતિ એવી છે કે ભૂલમાં ઈન્ટરવલમાં મહિલાઓના બાથરૂમમાં કોઈ સજ્જન પુરુષ જાય અને એને ખ્યાલ આવે ને તરત એ પાછો ફરવા જાય ત્યાં સુધીમાં તો ફિલ્મમાં હોય એથી અધિક સનસનાટી મચે અને પોલીસ આવ્યા સિવાય પેલા ભૂલકર્તાનું લોકતાડન બંધ ન થાય.

એનો તો જાણે નરકમાં જ પગ પડી ગયો એ દશા થાય. ત્યાં પછી સજ્જનતાના કોઈ ત્રાજવા કામ કરતા નથી. આજે પણ દુનિયાના નેવું ટકા કિસ્સાઓમાં સ્ત્રી – પુરુષ જંગમાં પુરુષને અપરાધી માની જ લેવામાં આવે છે. સ્ત્રીઓમાં વ્યાવહારિક બુદ્ધિમત્તા એટલી હોય છે કે એ અઢી પગલાની અશ્વચાલ વિચારીને શતરંજ રમી શકે છે જ્યારે કે પુરુષ ક્યાં તો હાથીની જેમ સાવ સીધો અથવા ઊંટની જેમ સળંગ ત્રાંસો ચાલે છે. સાહિત્ય અને કાયદા-કિસ્સાઓનો ઇતિહાસ ગમે તે કહે પણ રાજાધિરાજ જેવા પુરુષને પાડી દેવો કોઈ પણ નાટ્યકલાયુક્ત સ્ત્રી માટે રમત વાત છે.

મહાભારત સ્ત્રીઓની ગુપ્ત મહત્ત્વાકાંક્ષાઓના કેટલાક અજ્ઞાત શિખરોના માનવજાતને દર્શન કરાવે છે અને રામાયણ આપણને સ્ત્રીઓના પ્રગટ પરિતાપનો પરિચય આપે છે. આજકાલ દંપતીઓ અને તેમાંય નવદંપતીઓમાં દામ્પત્ય જીવન વિવાદોના ઘેરાવામાં હોય એવા અનેક કિસ્સા અને કેસ સમાજની સપાટી પર આવવા લાગ્યા છે. ગુજરાતના જનજીવનમાં હવે નવપરણિત સ્ત્રીઓની સંઘર્ષ કરવાની તૈયારી ઝિરો ડિગ્રીએ પહોંચી છે. નવી પેઢીની યુવતીઓ બે બાબત સહન કરી શકતી નથી, એક તો અસત્ય અને બીજી વસ્તુ છે નાણાંની તંગી. એટલે એનો અર્થ એ થાય કે લગ્નવાંચ્છુક જે યુવક ઉમેદવાર સત્યપ્રિય અને નાંણે સંપન્ન ન હોય તેણે તો દામ્પત્યની ઈચ્છા જ ન રાખવી.

કેટલાક અદાલતી કિસ્સાઓ પર નજર નાંખતા પહેલી નજરે તો સ્વભાવનો જંગ લાગે અને સ્હેજ ઊંડા ઉતરો એટલે સમસ્યાના કેન્દ્રમાં નાણાં જ દેખાય. જે લોકોએ જિંદગીમાં નાણાં કમાઈ લેવાની પ્રવૃત્તિને અગ્રતાક્રમ આપ્યો નથી તેમને માટે હવે જિંદગીના અનેક મોરચા બંધ થવા લાગ્યા છે. એવા યુવકો કે જેઓ માત્ર ભણતા જ રહ્યા છે તેઓ અનેક ટ્રેન ચૂકી જાય છે અને જેઓ પચીસ વરસના થાય ત્યારે છેલ્લા આઠ-દસ વરસથી ઓછુંવત્તું કમાઈને ઘરને ટેકો કરે છે તેઓનું ક્યાંક ઠેકાણું પડી જાય છે. ઊંધે માથે ભણવાથી જીવન ઘડાય છે એ માન્યતા જુની છે. કમાતા કમાતા જ સોનાનો સૂરજ ઉગે છે એ નવી હકીકત છે અને એ જ આજનું પરમ સત્ય છે. .

જે દંપતીઓ પોતાના સંતાનોને પંદર વરસની ઉંમરથી કમાતા શીખવતા નથી એ સંતાનો તેમને આગળ જતાં કેવા ભારે પડે છે એના પર વધારાના બે ફકરા લખવા એટલે જરૂરી નથી કારણ કે આસપાસ જ્યાં નજર કરો ત્યાં એવા નાદર નમૂનાઓ જોઈએ તેટલા મળી આવે એમ છે. સ્ત્રી અને પુરુષની કહાની એક જમાનામાં દેવ અને દેવીની કહાની હતી. પછી એ ગૃહસ્થ અને ગૃહિણીની સુખગાથા બની. મધ્યયુગના અંધકારમાં ધણી અને ધણિયાણી દેખાયા. આધુનિક યુગના પ્રભાતે તેઓ બન્ને પરમ સખા સરીખા સારસ બેલડી તરીકે અભિવર્ધિત થયા. એમાં પ્રણયના અનેક રંગો પુરાયા અને જિંદગીની અખિલાઈની અભિવ્યક્તિ પણ દામ્પત્યને મળી. હવે પતિ અને પત્ની બન્ને એક જ આસને આવી રહ્યા છે, બન્ને પૈસા કમાનારા અને બન્ને ઘર ચલાવનારા બન્યા છે. સદીઓના ફેરા પછી આ મુકામે તેઓ પહોંચ્યા છે.

જવાબદારીમાંથી બેમાંથી એકેય વિચલિત થઈ શકે એમ નથી. તેમનું જીવન પ્રથમ પોતાને માટે છે અને પછી જીવનસાથી માટે અને એનીય પછી તેઓનું જીવન તેમના બાળકો માટે છે. એમાં જો કોઈ ખરા દિલથી એક બીજા માટે જીવતા હોય તો તેઓ મધ્યમ માર્ગે છે અને જો તેઓ બન્ને સંતાનોને સમર્પિત હોય તો તે શ્રેષ્ઠ છે. ગુજરાતની વડી અદાલતના એક ન્યાયમૂર્તિએ એકવાર એવી ટકોર કરી હતી કે આપણા સમાજના અનેક દંપતીઓનું સહજીવન તો માત્ર એમને સંતાનો હોવાને કારણે ટકી રહ્યું છે નહિતર તો તેઓ ક્યારનાય વિખૂટા પડી ગયા હોય.

જો કે એની સામે બીજી વાત એ છે કે જેમને સંતાનો નથી તેઓ તો કદી વિખૂટા પડવા તૈયાર હોતા નથી. તેઓનો એકબીજા પ્રત્યેનો પ્રેમ એટલો બધો ગાઢ હોય છે કે જાહેરમાં તો તેમણે બહુ પ્રયત્ન પૂર્વક એ સ્નેહ છુપાવવો પડે છે. તેઓ લગભગ એક જ થાળીમાં આરોગે છે. એક રાત પણ તેઓ અલગ રહી શકતા નથી. તેઓ શરીરના આકર્ષણને ઓળંગીને લગભગ અદ્વૈત સ્થિતિની નજીક હોય છે. એમનું અદ્વૈત અસ્તિત્વ હોય છે તો સાંસારિક પણ અધ્યાત્મનેય ભૂલવાડી દે એ કક્ષાનું હોય છે. અરે પ્રતિક્ષણ તેઓ એકબીજાની એટલી બધી સંભાળ રાખતા હોય છે કે જો સસંતતિ દંપતીને નજીકથી એ બધું જોવા મળે તો દંગ થઈ જવાય.

નિઃસંતાન દંપતીઓનો પ્રેમ ખરેખર જ વંદનીય હોય છે. આજકાલ જે નવદંપતીઓને એકબીજા પરત્વેના કોઈ બનાવ વિનાના જે અણબનાવ હોય છે તેમણે કોઈક એવા ગાઢ પ્રેમના આશ્લેષમાં જિંદગી વીતાવતા દંપતીની હરપળની આનંદધારા એક વાર નજીકથી જોઈ-જાણી લેવી જોઈએ. પ્રસન્ન દામ્પત્યનું તેઓ પોતે જ એક મધુરતમ રમણીય તીર્થ હોય છે. એક જમાનો એવો હતો કે પતિ-પત્ની વચ્ચે બહુ જ ઓછો સંવાદ થતો. ઘરસંસાર મૌનમાં જ પસાર થતો. બા શું કહે છે અને બાપુજી શું બોલ્યા એ વિશે દંપતી કદી વાત જ ન કરતાં. ઘરમાં નવવધૂ આવે તે સદાય ફરિયાદ વિનાની સ્ત્રી હોય. એટલે કે એની પોતાની અગવડ વિશે એ ભાગ્યે જ પતિને વાત કરતી. ઈતિહાસમાં એવી તો લાખો સ્ત્રીઓ છે જે અભિવ્યક્ત થયા વિના જ આ દુનિયામાં પોતાનો ભવ પૂરો કરીને અનંતવાટે ચાલી નીકળી હોય.

એ જમાનામાં મા એની દીકરીઓને એવી સલાહ આપતી કે પરણિતાઓને કદી પતિનો કોઈ દોષ દેખાતો જ નહિ. જિંદગી જે મળી અને જેવી મળી એને સ્વીકારીને ચાલવાની લાંબી પરંપરા હતી. આજની સ્થિતિ વિશે કંઈ કહેવાની જરૂર નથી.