આ સંસારમાં ઘણા બધા પ્રકારની સંપત્તિ છે. તેમાં આ યુગમાં નવી એક સંપત્તિ છે નિરાંત. નિરાંતની વેળા સૌને હાથવગી હોતી નથી. જેમ સંપત્તિનું સર્જન કરવા માટે કમાણી કરવી પડે છે એ જ રીતે નિરાંત પણ એક પ્રકારની કમાણી છે. જો કોઈને યૌવનકાળે નિરાંત પ્રાપ્ત થઈ જાય તો જિંદગીમાં એક નવું ખુશનુમા હવામાન આવી જાય છે. નિરાંત આમ તો પૃથ્વીના પટ પર ચોતરફ ફેલાયેલી હતી. કોઈ ગામના પાદરમાં ઘોડો અને અસવાર ઊભા રહે એટલે પનઘટ પરથી આવતી પનિહારીના પગલાંમાં જે નિરાંત હતી એ જ નિરાંત આસપાસના ઊંચા પહાડો અને એની હરિયાળી તળેટીઓમાં હતી. કારણ કે મનુષ્યના મન નિરંતર ધવલ સ્વચ્છ આકાશ જેવા હતા. દરેકની વાણી જાણે કે ચંદ્ર કિરણથી લિપ્ત શ્વેત કેનવાસ જેવી વિશુદ્ધ – વિલોહિત હતી. એટલે ઘરના આંગણાથી દૂરની ક્ષિતિજ સુધી નિરાંતવો સાગર જ જાણે કે લહેરાતો હતો.
માણસ જાતની જો કોઈ એક જ ઐતિહાસિક ભૂલ હોય તો એ કે એણે જરૂરિયાતો વધવા જ દીધી. એટલી બધી જરૂરિયાત અભિવૃદ્ધ થઈ ગઈ કે હવે તો એ પોતે જ એમાં ખોવાઈ ગયો છે. જરૂરિયાતોની પરિપૂર્તિમાં જિંદગી વ્યતિત થવા લાગી. એનું કારણ એ કે એ એની મૂળભૂત
પ્રવૃત્તિ હતી. પરંતુ હવે તો જેના વિના ચાલે, એના વિના મારે તો નહિ ચાલે – એ રસ્તે જરૂરિયાતો જ્વાળાની જેમ ભડકી છે. એથી હવે નિરાંત મળે એમ નથી. નિરાંત પણ લઈ લેવાની વાત હોય છે, મળવાની તો નથી. જેમ જરૂરિયાતોને છુટ્ટો દોર મળતા એ આસમાને પહોંચી એમ ઉત્પાત અને ઉપાધિને સહેજ વધવાની મુક્તિ આપો એટલે એ પણ ઊંચે આકાશે પહોંચે. મેનેજમેન્ટની દૃષ્ટિએ જુઓ તો જેની પાસે પરફેક્ટ પ્લાનિંગ હોય એને નિરાંત હોય. અને જેમની જિંદગીમાં બાળકોની કે.જી.ની ફી ભરવાથી ઉનાળુ અથાણા સુધીનું પ્લાનિંગ ન હોય એને નિરાંત ક્યાંથી હોય ? પ્લાનિંગ બહાર ગયા કે તુરંત તમારો પગ નિરાંતની બહારના ચકરડામાં પડે. એ ચકરડામાંથી જ ચક્કર ચાલુ થાય ને પછી ઊંચક-નિંચક ચકડોળ આવે. એ તરફ જવા જેવું નથી.
પણ કોઈ એની ઇચ્છાથી થોડા આ ચક્કરમાં પડે છે? પડી જવાય છે. અને એનું મૂળભૂત કારણ વિચાર્યા વિના વધારેલી જરૂરિયાતો છે. જેનો જરૂરિયાતો પર અંકુશ છે, તેનો જ પોતાના જીવન પર અંકુશ છે. એક વખત જરૂરિયાતને છુટ્ટો દોર મળે એટલે એની અગનઝાળ આખા પરિવારને લાગે. આ જે શોપિંગ મોલ અસ્તિત્વમાં આવ્યા છે તે તમે એમ માનો છો કે તમારી ચીજ વસ્તુઓની જરૂરિયાત સાથે કામ પાડે છે? નહીં. એ તો ગ્રાહકના મનની સાથે કામ પાડે છે. એ મનુષ્ય સંપૂર્ણ સ્વસ્થ મનનો કહેવાય જે શોપિંગ મોલમાં જાય ત્યારે પૂર્વ નિશ્ચિત વસ્તુઓ ખરીદીને જ પાછો આવે અને એમાં એક પણ વસ્તુ વધારાની સાથે ન લાવે. એવું નથી કે આવા લોકો નથી, હજુ પણ ઘણા લોકોમાં આટલી સ્વસ્થતા હોય છે અને એ સ્વસ્થતા પણ એમને વધારાની નિરાંત રળી આપે છે.
સ્વભાવ છે મનુષ્યનો એ કંઈ જેવો તેવો નથી. સ્વભાવમાં પ્રશાંત ચિત્તના ઊંડા તળાવો છે અને ઘૂઘવતા એકાન્તના સાત સમંદર છે અને ન જાણે ક્યાંથી આવી જતા અણધાર્યા ઉત્પાતો પણ છે. લોકો મંદિરે કે મસ્જિદે જાય છે ત્યારે જતાં પહેલાં તેઓની અપ્રગટ પ્રાર્થના એ હોય છે કે હે ભગવાન કમ-સે-કમ હું તારા મંદિરમાં પગ મૂકું એટલીવાર તો મને ઉત્પાતથી મુક્તિ અપાવી દેજે. કદાચ પરમાત્માનો સાક્ષાત્કાર ન થાય તો પણ જો મનુષ્ય એટલીવાર શિખરબંધ મંદિરના છત્ર તળે ઉત્પાત મુક્ત રહે તો એને જે સામ્રાજ્ય પ્રાપ્ત થાય એનું નામ નિરાંત છે. રાતના સુખ કરતાંય નિરાંતનું સુખ મોટું છે. નિરાંત મેળવતા કે લેતાં લેતાં જો એક વાર એનો કેફ ચડે તો પછી એ સુખનું વ્યસન થઈ જાય છે. સુખના વ્યસન પાળવા જેવા હોય છે.
નિરાંતનો અર્થ પ્રમાદ નથી. કામકાજની વધારે પડતી ઠંડક પણ નથી. નિરાંત લેતા લોકો કામકાજમાં બહુ જ ગતિશીલ અને પ્રભાવક હોય છે. કારણ કે કામ કરવાની આવડત અને શ્રેષ્ઠતા નિપજાવવાનો એમનો કસબ જ એમને નિરાંત લેવાના એક્સ્ટ્રા કલાકો કમાઈ આપે છે. નિરાંતનો અર્થ એકાન્ત કે શાંતિ નથી. નિરાંતનો અર્થ સૌથી વિખૂટા પડીને કોઈ એકલવાયા છાને ખૂણે પોતાની લતમાં કે ભ્રમણામાં રમમાણ રહેવાનો પણ નથી. નિરાંતનો અર્થ છે જ્યાં હોઈએ ત્યાં પ્રથમ તો હોવાનો આનંદ. એ આનંદમાં સતત એવી પ્રતીતિ હોવી કે કંઈ કરવાનું છે તે બાકી નથી અને જે કરવાનું છે તેની કોઈ જ ઉતાવળ નથી. કારણ કે મનુષ્ય કર્મથી બંધાયેલો છે. એના હાથ અને પગમાં કર્મના જુગજુના ઝાળાં બાઝેલાં છે. એટલે એના ચિત્તને જંપ નથી. પરંતુ જો એક વખત એ હયાતીનો ઉત્સવ ઉજવતો થાય તો એને નિરાંતનો પારસસ્પર્શ થાય. એક એવી વિશ્રાંતિ કે જેમાં એ પોતાને મળી શકે, પોતાની જાત સાથે વાત કરી શકે. આ જગતમાં નિરાંત એને જ મળે છે જેને પસાર થઈ ગયેલા સમય પરનો કોઈ અફસોસ નથી અને આગંતુક સમય પ્રત્યેની સચિંત ઉત્કંઠા નથી. આમ તો આ એક રીતે
આભાર – નિહારીકા રવિયા સાધુપુરુષના હૃદયનું વર્ણન છે. પણ સુખી થવું હોય તો અંતઃકરણના એ સ્ટેટ્‌સ સુધી પહોંચવું પડે.
નિરાંત એકલી પણ હોઈ શકે છે અને સંગતમાં પણ હોય છે. એટલે કે કેટલાકને ચિત્રમાંથી નિરાંત મળે તો કેટલાકને સંગીતમાં…. કોઈને વળી ચાલવામાં… તો કોઈને વળી દોડવામાં. પરંતુ એમાંના કેટલાક લોકો તો એ વિશેષ પ્રવૃત્તિઓમાં એટલા બધા ડૂબી જાય છે કે પછી એનો જ સંસાર એટલો મોટો થઈ જાય છે કે નિરાંત જતી રહે છે અને એ પ્રવૃત્તિ રહે છે. જેવું સાધુઓને થાય છે, તેઓ સંસાર છોડીને વૈરાગ્યમાં જાય છે, પણ પછી વેરાગમાં વળી એક એવો નવો સંસાર રચી દે છે કે એના વહીવંચા સામે સામાન્ય સંસારનો તો કોઈ ક્લાસ નહિ. કલા, સાહિત્ય કે સંગીતનું આલંબન ત્યાં સુધી જ ફાવે જ્યાં સુધી એ નિરાંત નિરામયી હોય. પરંતુ એમાં જ વળી નવા નવા ઉત્પાત ઊભા થાય તો એ સંગીત હોવા છતાં જિંદગીનો તો ઘોંઘાટ જ બની જાય છે. પણ એક વાત નક્કી છે કે જે નિરાંતને ચાહે છે એને નિરાંત મળે છે.