(એ.આર.એલ),રાંચી,તા.૨૯
ઝારખંડમાં ૮૧ વિધાનસભા બેઠકો પર યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને રાજ્યભરના રાજકારણમાં ગરમાવો છે. આ દરમિયાન ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને કહ્યું કે બાંગ્લાદેશી ઘૂસણખોરોના કાવતરાથી આદિવાસીઓને બચાવવા જરૂરી બની ગયા છે. તેમણે કહ્યું કે જા ભાજપ સત્તામાં આવશે તો આદિવાસીઓ દ્વારા કથિત રીતે પડાવી લેવામાં આવેલી જમીન તેમને પરત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે જેએમએમ છોડીને ઓગસ્ટમાં ભાજપમાં સામેલ થયેલા સોરેન સરાઈકેલા વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડશે.
ચૂંટણી પહેલા જનસભાને સંબોધતા પૂર્વ સીએમ ચંપાઈ સોરેને કહ્યું કે સીદો-કાન્હો, ચાંદ-વૈરભ, ફૂલો-ઝાનો અને બાબા તિલકા માંઝી જેવા મહાપુરુષોએ આપણી જમીનની રક્ષા માટે અંગ્રેજા સામે લડ્યા અને શહીદ થયા. હવે ઘૂસણખોરો તે જમીન હડપ કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે જા ચૂંટણીમાં ભાજપ સત્તા પર આવશે તો પરંપરાગત સમુદાય સંગઠનોના વડાઓની બેઠક બોલાવવામાં આવશે અને ગેરકાયદેસર રીતે પચાવી પાડવામાં આવેલી આદિવાસીઓની જમીન હકના માલિકોને પરત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઝારખંડની ચૂંટણીમાં બીજેપીના મુખ્ય મુદ્દાઓ બાંગ્લાદેશીઓની કથિત ઘૂસણખોરી, સ્થાનિક આદિવાસી મહિલાઓ સાથે તેમના લગ્ન અને આદિવાસીઓની જમીન પચાવી પાડવાનો છે.
સોરેને દાવો કર્યો હતો કે બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીને કારણે ઘણા ગામડાઓમાં આદિવાસીઓ લુપ્ત થઈ ગયા છે અને આદિવાસી મહિલાઓની ગરિમા જાખમમાં છે. આ સાથે તેમણે આરોપ લગાવ્યો કે ઘૂસણખોરોએ આદિવાસીઓના ધાર્મિક સ્થળો પર પણ કબજા કરી લીધો છે.
ઝારખંડમાં સંથાલ પરગણા ટેનન્સી એક્ટ મુજબ, બિન-આદિવાસી લોકો આદિવાસીઓ પાસેથી જમીન ખરીદી શકતા નથી. આને ટાંકીને ચંપાઈ સોરેને રાજ્ય સરકારને પૂછ્યું કે આ કથિત ઘૂસણખોરો, જેઓ મુખ્યત્વે સંથાલ પરગણા ક્ષેત્રમાં સ્થાયી થયા છે, આદિવાસીઓની જમીન કેવી રીતે હડપ કરી રહ્યા છે? તમને જણાવી દઈએ કે રાજ્યમાં ૮૧ સભ્યોની વિધાનસભા માટે ૧૩ અને ૨૦ નવેમ્બરના રોજ બે તબક્કામાં ચૂંટણી યોજાશે અને મતગણતરી ૨૩ નવેમ્બરે થશે.