રાજસ્થાનમાં બાળ લગ્ન પર પ્રતિબંધનો કાયદો હોવા છતાં અને સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવા છતાં બાળ લગ્ન બંધ થઈ રહ્યા નથી. આ જ કારણ છે કે હવે રાજસ્થાન હાઈકોર્ટે રાજ્યની ભજનલાલ સરકારને બાળ લગ્ન રોકવા માટે જરૂરી અને ગંભીર પગલાં ભરવા માટે ગાઈડલાઈન જારી કરી છે.
હાઈકોર્ટના જસ્ટિસ શુભા મહેતાએ જણાવ્યું છે કે રાજ્યમાં કોઈપણ સંજાગોમાં બાળ લગ્ન ન થવા જાઈએ. આ અંગે પંચ-સરપંચોને જાગૃત કરવા જાઈએ. જા જનપ્રતિનિધિ તેની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જશે તો તેની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે. પંચાયતી રાજના નિયમો અનુસાર બાળ લગ્ન રોકવાની ફરજ પંચ-સરપંચની છે. જસ્ટિસ પંકજ ભંડારી અને જસ્ટિસ સુભા મહેતાની ડિવિઝન બેન્ચે બચપન બચાવો આંદોલન અને અન્યની પીઆઈએલ પર આ આદેશ આપ્યો છે. આદેશની નકલ સીએસ સહિત તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી છે.
કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટ અનુસાર રાજસ્થાનમાં ૧૯ વર્ષની ૩.૭ ટકા છોકરીઓ કાં તો માતા બની ગઈ છે અથવા તો ગર્ભવતી છે. પીઆઈએલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ૨૦-૨૪ વર્ષની ૨૫.૪ ટકા મહિલાઓના લગ્ન ૧૮ વર્ષની ઉંમર પહેલા થઈ જાય છે. રાજસ્થાનના શહેરી વિસ્તારોમાં આ ટકાવારી ૧૫.૧ છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ આંકડો ૨૮.૩ છે.
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા જવાબમાં એએજી બીએસ છાબાએ જણાવ્યું હતું કે સરકાર બાળ લગ્ન રોકવા માટે પ્રયાસો કરી રહી છે. બાળ શોષણ અને બાળ લગ્ન અંગેની ફરિયાદ ૧૦૯૮ નંબર પર કરી શકાશે.