નિશાળના દરવાજા સુધી દામલ એક પણ શબ્દ બોલી ન શક્યો તેનું મોઢું જાણે કે સિવાઈ ગયું હતું. મૂંગા મોંએ જ શાળામાં દાખલ થયાં.
ત્યારે નાનાં – મોટાં બાળકો આમતેમ દોડાદોડી કરી રહ્યા હતા. કલબલાટ પણ ખૂબ જ થઇ રહ્યો હતો. શાળાનું કામ ચાલુ થયું.
આવી જ રીતે બુધવાર પસાર થયો, ગુરૂવાર પણ ગયો અને શુક્રવારની રાત પણ આજે ઝગમગતી હતી. આજે રાતના બધો જરૂરી સામાન ભેગો કરી બેગમાં – થેલામાં ભરવાનો હતો. આવા કામમાં બા પણ ખૂબ જ મદદરૂપ થયાં. યાદ કરીને નાની વસ્તુઓ બાએ જ એકઠી કરી હતી. એક બેગમાં દામલની બધી જ સામગ્રી અને બીજી બેગમાં જ્યોતિની જાઇતી સામગ્રી !
રાત ઘણી વીતી ચૂકી હતી. સવારે… શનિવારની વહેલી સવારે સ્કૂલ પહોંચી જવાનું હતું. સવારના છ વાગે તો બસ ઉપાડવાની નક્કી થયેલું એટલે આજની રાતે આ બધી તૈયારી કરી, દામલ – જ્યોતિ અને બા… અગિયાર વાગે ઊંઘી ગયાં.
વિચિત્રતા તો એ બની કે, આજની રાતે મીઠી ઊંઘમાં ઊંઘતી જ્યોતિને સપનામાં વારેવારે નાનાં નાનાં બાળકોના રડવાનો અવાજ સંભળાતો રહ્યો. તો વળી કયારેક તેને પોતાની જ પ્રસવ વેદના અનુભવાતી હતી. ને દામલ તો સપનામાં જાણે કોઇ અપ્સરાના ચહેરા પર, હોઠ પરને ગાલ અને કપાળ પર એમ ચુંબન જ કર્યા કરતો હતો. રાત આખી આમ જ પસાર થઇ.
સવારના પાંચ વાગે જ્યોતિ જાગી. ઝડપથી તેણે પ્રાતઃક્રિયા પતાવીને નાહી પણ લીધું. સ્વચ્છ ધોયેલાં કપડાં શરીર પર ધારણ કરીને બરાબર તૈયાર થઇ હતી. એ સમયે દામલ પણ તૈયાર થતો હતો. ત્યારે બાનું તો પૂછવું જ શું ? તેણે તો નાસ્તો પણ તૈયાર કરી લીધો હતો.
જ્યોતિ અને દામલ તૈયાર થઇ નાસ્તો કરવા બેઠાં. નાસ્તો કરી લીધા પછી તેઓ સ્કૂલે જવા તૈયાર થયાં. બાએ દામલને ડેલી પાસે ઊભો રાખી કહ્યું ઃ “જા જે…, મારી જ્યોતિનું ધ્યાન રાખજે…”
ડોકું હકારમાં હલાવીને દામલ ચાલતો થયો. તેની પાછળ ઉતાવળે ઉતાવળે જ્યોતિ પણ ચાલવા જ લાગી.
છ વાગ્યા પહેલાં દામલ અને જ્યોતિ શાળાના દરવાજામાં દાખલ થયાં. બસ દરવાજા પાસે જ ઉભી હતી. બાળકોને લઇ વાલીઓ પણ આમતેમ આંટા મારતા હતા.
સવાર સવારનું આ દ્રશ્ય, સ્કૂલના પટાંગણમાં આવુ દ્રશ્ય અતિ મનોહર દેખાઇ રહ્યું હતું. તેમાં પણ નાનકડાં બાળકોનો ઉત્સાહ, ઉમંગ અને તાલાવેલી જાઇ જાણે કે સ્વર્ગ ખીલી ઉઠયું હોય તેવો ભાસ થતો હતો.
પ્રવાસ શબ્દમાં જ રોમાંચ ભરેલો છે અને તેમાં પણ શૈક્ષણિક પ્રવાસ ! જે કોઇ વ્યકિતનું હૃદય અત્યંત કોમળ અને સંવેદનશીલ હોય, એમાં પણ પ્રકૃતિની સૌંદર્યરસિકતા જાઇને જેનામાં કલ્પના શક્તિ, અલંકારનું સામર્થ્ય અને સિધ્ધહસ્ત ભાષાશૈલી ખીલેલી હોય ત્યારે એમાં પછી વધારે શું કહેવું ? આવા બધા જ ગુણો યુવાન એવા દામલમાં ભર્યા પડયા હતાં.
પ્રવાસનો આનંદ તો હતો જ, ત્યારે બીજી બાજુ સાથીદાર, હમસફર તરીકે અતિ મનભાવન એવી સ્વપ્ન સુંદરી જ્યોતિ સાવલિયા હતી. તેથી તો દામલનો આનંદ બેવડાઇ ગયો હતો.
લકઝરી બસની સીટ પર બાળકોને એક પછી એક એમ બેસાડી દઇ, વ્યવસ્થિત રીતે બે બે વાર ગણતરી પણ કરી લીધી. આ કામમાં જ્યોતિનો પણ સારો એવો સાથ આપ્યો. બધા મળીને ત્રીસની સંખ્યા થઇ તેને કાગળમાં ટાંકવામાં આવ્યું. વધારામાં જ્યોતિ, દામલ અને બસ ચાલક તો ખરાં જ !
હવે સવારના છ વાગે બસ જૂનાગઢ જવા રવાના થઇ. બસ તો તેની ગતિએ રોડ પર ચાલી રહી હતી. ત્યારે જ્યોતિએ તેની નજીકમાં બેઠેલા દામલને પૂછયું: “અંદાજે કેટલા વાગે આપણે જૂનાગઢ પહોંચીશું…?”
“સવા નવ કે સાડા નવની આસપાસ આપણે જૂનાગઢમાં હોઈશું અને હા, આજનો પોગ્રામ બાળકોને ઉપરકોટમાં લઇ જવાનો છે. આપણા શૈક્ષણિક પ્રવાસમાં આવું બધુ અગાઉથી જ નક્કી કરવામાં આવે છે. અને આપણે એ પ્રમાણે જ ચાલવાનું હોય. રહેવાનું ને જમવાનું પણ નક્કી કરેલ સ્થળ પર જ હોય છે.”
“રહેવાનું કયાં છે…?” વળી જ્યોતિ પૂછી બેઠી.
“સરસ મજાનું સ્થળ છે. જૂનાગઢમાં પ્રેરણાધામનું પણ એક નામ છે. ત્યાં આગળ લાલ ગેબી આશ્રમ આવેલો છે. આપણો મુકામ ત્યાં છે ત્યાં બધી જ વ્યવસ્થા છે. હું તો એકવાર આ આશ્રમે જઇ આવ્યો છું…” દામલે બધી જ વાત કરી.
“ત્યાં રહેવા માટે રૂમ પણ હશે જ ને…?”
“ ખબર નહીં, ત્યાં જઇએ, જાઇએ પછી જ ખબર પડે. પરંતુ હું માનુ છું ત્યાં સુધી રૂમ તો હશે જ. પરંતુ આવી ચિંતા અત્યારથી તું શું કામ કરે છે ?”
“હું ચિંતા નથી કરતી. આ તો પૂછું છું. ત્યાં જેવી વ્યવસ્થા હશે તેમાં જ સંતોષ માનવાનો. આપણે તો ફકત બે રાતનો જ પ્રશ્ન છે ને ? ચલાવી લઇશું…”
“હવે પહેલાં જેવી ધર્મશાળા રહી નથી. બધી જ સગવડવાળી ધર્મશાળાઓ હવે તૈયાર થઇ ગઇ છે. આપણે વ્યવસ્થાપકને મળી લઇશું… બધું જ પાર પડી જશે…”
આમ વાતો ચાલતી હતી, બસ તો પુરપાટ વેગે દોડતી હતી ત્યાં તો અચાનક જારદાર બ્રેક લાગતા આખી બસમાં બાળકોની કિકિયારીઓ સંભળાવા લાગી. જ્યોતિ પણ પડું પડું થઇ ગઇ, સમતોલપણુ ગુમાવવાથી તેનો એક હાથ કંઇ આધાર માટે દામલના સાથળ પર પડયો. ત્યારે દામલે પણ ઓચિંતુ આવું થતા હાંફળા – ફાફળા થઇ જઇ જ્યોતિના બીજા હાથને દબાણપૂર્વક પકડયો ને પોતાના સાથળ પર જ્યોતિનો ચીપકેલો હાથ જાઇ દામલ તો ઘડીભર માટે સુન્ન થઇ ગયો. એ સાથે તો બસ ઊભી રહી.
શરમાતા શરમાતા જ્યોતિએ દામલના સાથળ પર રહેલો તેનો હાથ ધીમે ધીમે પોતાના તરફ લઇ લીધો ને ત્યારે દામલે પણ જ્યોતિનો હાથ પકડયો હતો તે… છોડી દીધો… ત્યાં તો જ્યોતિ બોલી ઃ “ઓચિંતા બ્રેક લાગવાથી…”
દામલ કંઇ બોલ્યો નહીં. વળી પાછી બસની ગતિ પહેલાંની જેમ વ્યવસ્થિત થઇ. થોડીવાર સુધી બેમાંથી કોઇ કશું બોલ્યાં નહીં. બસ તો બસ દોડી જ રહી.
(ક્રમશઃ)