અમરેલી જિલ્લામાં ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાએ માથુ ઉંચકતા ઘરે-ઘરે માંદગીના ખાટલા જાવા મળી રહ્યા છે. રોગચાળાને નાથવા માટે અમરેલી તાલુકાના જાળીયા ગામે તાવ, શરદી, ઉધરસના રોગચાળા અન્વયે આરોગ્ય તંત્ર દ્વારા કુલ ૮ ટીમોએ ઘરે ઘરે ફરીને સર્વેલન્સની કામગીરી હાથ ધરેલ છે. આ સર્વેલન્સ કામગીરી દરમ્યાન કુલ ૧૦૮૧ ઘરોની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમ્યાન ૩૩૭૦ પાણીના પાત્રો તપાસતા ૧૩૭૯ પાત્રોમાં એબેટથી પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. ૧૩ પેરાડોમેસ્ટિકમા ઓઈલ બોલ નાખીને પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. બે મોટા પાણીના ભરાવામાં ગપ્પી માછલી મુકવામાં આવી હતી. જાળીયા ગામમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી. શંકાસ્પદ મેલેરિયાનાં દર્દીઓની ૨૦ સ્લાઈડો લેવામાં આવેલ જેમાં મેલેરિયા પોઝિટિવ નોંધાયેલ નથી. સાંધાનાં દુઃખાવાનાં ૮૫ દર્દીઓ જોવા મળેલ જેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. મેલેરિયા, ડેન્ગ્યૂ, ચિકનગુનીયા રોગચાળા અટકાયતી પગલા અન્વયે આઈ.ઈ.સી. કામગીરી શરૂ છે. પાણીજન્ય રોગચાળા માટે ગામમાં આવેલ પીવાનાં પાણીનાં ૧ લાખ લિટરના ટાંકામાં કલોરીનેશન કામગીરી કરવામાં આવી હતી. જાળીયામાંથી કોવિડના આરટીપીસીઆર ૫૦ અને એન્ટીજન ૧૯ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ તમામ સેમ્પલ નેગેટિવ આવેલ છે.
કુંકાવાવ તાલુકાના અરજણસુખ ગામે પણ કુલ ૫ાંચ ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ સર્વેલન્સ કામગીરી દરમ્યાન કુલ ૩૮૬ ઘરોનાં ૭૮૬ પાણીનાં પાત્રોમાં એબેટ નાખી પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. ૩ પેરાડોમેસ્ટિક સ્થળોએ બળેલ ઓઈલથી પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. ૧૧ શંકાસ્પદ મેલેરિયા તાવનાં કેસોની સ્લાઈડો લેવામાં આવેલ છે તથા ગામમાં ફોગીંગની કામગીરી ક૨વામાં આવી હતી. વધુમાં અરજણસુખ ગામમાંથી કોવિડનાં આરટીપીસીઆરના ૯ સેમ્પલ લેવામાં આવેલ જે તમામ નેગેટીવ છે. હાલ જાળીયા અને અરજણસુખ ગામે સર્વેલન્સની કામગીરી શરૂ હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયુ છે.