જાળીયાની શ્રી જનતા વિદ્યાલયમાં અભ્યાસ કરતા મોટા ભંડારીયા ગામના પ્રતિભાશાળી વિદ્યાર્થી દેવેન સુરેશભાઈ માંડવીયાએ તાજેતરમાં જાહેર થયેલી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૯૯.૯૪ પર્સેન્ટાઇલ સાથે સમગ્ર અમરેલી જિલ્લામાં પ્રથમ નંબર મેળવીને ગામનું અને શાળાનું ગૌરવ વધાર્યું છે. દેવેન માંડવીયાએ અત્યંત નબળી આર્થિક પરિસ્થિતિ હોવા છતાં આ સિદ્ધિ હાંસલ કરી છે. દેવેનના પિતા સુરેશભાઈ નાનું-મોટું મિસ્ત્રી કામ કરે છે અને માતા નિરક્ષર છે. તેમને અંગત ટ્યુશનની કે પૂરતી વાંચન સામગ્રીની કોઈ સગવડ નહોતી. પરંતુ પોતાના દૃઢ સંકલ્પ, સખત મહેનત અને શિક્ષકોના યોગ્ય માર્ગદર્શનથી તેમણે આ સિદ્ધિ મેળવી છે. તેમને પોતાના શિક્ષણ માટે શિષ્યવૃત્તિ અને સમુદાયના સહકાર પર આધાર રાખવો પડ્યો હતો. શાળા સંચાલક મંડળના મંદાકિનીબહેન પુરોહિત, શાળાના આચાર્ય જયંતભાઈ જોશી અને શિક્ષકગણે તેમના અભૂતપૂર્વ પરિણામ બદલ શુભેચ્છાઓ આપી છે અને ભાવિ અભ્યાસ માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. દેવેન હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાના સપનાને સાકાર કરવા પ્રયત્નશીલ છે. દેવેનની સંઘર્ષપૂર્ણ સફળતા ઘણા વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે.








































