ઓ હાથીભાઈ! જરા ઓછા આળોટોને કાંઈ! આ તમારું પહાડ જેવું મોટું મોટું શરીર લઈને તમે મોજથી આળોટો છો ને અમારી બધી મહેનત પર પાણી ફરી વળે છે. અમારા બધાંય દર વેરણછેરણ થઈ જાય છે ને અમારી કલાકોની મહેનત એળે જાય છે. જરા કાંઈક સમજો તો સારું! – કીડીઓએ હાથીને વિનંતી કરતાં કહ્યું.
તે તમને અહીં દર બનાવવાનું કોણે કીધું હતું!? તમને ખબર તો છે કે આ જગ્યાએ મને રોજ આળોટવા જોઈએ છે. જાવ! આઘા જાવ અહીંથી! હું તો અહીં જ આળોટવાનો! – એમ કહેતાં હાથીભાઈએ એમનું મોટું પહાડ જેવું શરીર દર ઉપર પડતું મૂક્યું. ઘડીભરમાં કીડીઓના બધા દર હતા ન હતા થઈ ગયા. બિચારી કીડીઓ જોતી જ રહી ગઈ.
પણ આ તો મહેનતુ અને સંપીલી કીડીઓ! એમ થોડી હાર માને! વળી પાછી એ તો કામે વળગે ને મંડી પડે દર બનાવવા. ઘડીભરમાં પાછું એમનું દર બનાવી દે! હાથી પણ એવો જ હઠીલો! એ દરરોજ ખાય, પીવે અને ધમધમ ધમધમ કરતો આવીને અહીં જ આળોટે.
કીડીઓ મહેનત કરે, દર બનાવે અને હાથી આવીને આળોટે. હવે કીડીઓ કંટાળી ગઈ. બધી કીડીઓએ ભેગા મળી આ મુસીબતનો ઉકેલ વિચાર્યો. શું કરીએ તો હાથીને પાઠ ભણાવી શકાય? સૌ કીડીઓએ સાથે મળી વિચાર કર્યો. સૌએ પોતપોતાના મત રજૂ કર્યા. આખરે ઉપાય જડી ગયો. એક કીડી તો મોજમાં આવીને બોલી પણ ખરી, “આવવા દો આજે એ મગતરા હાથીને! એ સમજે છે શું એના મનમાં! આજે તો ઊભી પૂંછડીએ ભગાડીએ તો ખરાં! આવવા દો એને!
બધી કીડીઓ યોજના પ્રમાણે ગોઠવાઈ ગઈ. જેમને જે કામ કરવાનું હતું એ માટે સજ્જ થઈ ગઈ. રોજના નિત્યક્રમ પ્રમાણે હાથી આવ્યો અને એણે પોતાનું પહાડ જેવડું શરીર કીડીઓના દર પર પડતું મૂક્યું. કીડીઓ આ બધું જોઈ રહી હતી. થોડા સમયમાં યોજના મુજબ સૌ કીડીઓ હાથીના શરીર પર તૂટી પડી. કીડીના ઝૂંડેઝૂંડ હાથીના શરીર પર ફરતા થઈ ગયા. કેટલીક સૂંઢ પર તો કેટલીક કાન પર; કેટલીક પૂંછડી પર તો કેટલીક પગ પર; તો વળી કેટલીક હાથીના પેટ પર ચોંટી ને ચટકા ભરવા લાગી. થોડીવારમાં તો હાથીભાઈ રાડારાડ કરવા લાગ્યા, “છોડી દો… છોડી દો… જવા દો… જવા દો… પણ એકેય કીડી સાંભળે તો ને! હાથીભાઈ તો બાપ રે… કહેતા જાય ભાગ્યા… જાય ભાગ્યા…
Mo 9099172177