સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા જ ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પુરજાશમાં તૈયારીઓ શરૂ કરી છે. જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના સંદર્ભમાં શહેર કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે પોતાનો ચૂંટણી ઢંઢેરો (મેનિફેસ્ટો) જાહેર કરવામાં આવ્યો છે. “સત્ય, સમાનતા, વિકાસ અને સામાજિક ન્યાય” ના સૂત્ર સાથે કોંગ્રેસે શહેરીજનોને અનેક આકર્ષક વચનો આપ્યા છે. આ સંકલ્પ પત્રની જાહેરાત સમયે જામનગર જિલ્લાના પૂર્વ સાંસદ વિક્રમ માડમ અને શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શહેર પ્રમુખ દિગુભા જાડેજાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોંગ્રેસ માટે આ મેનિફેસ્ટો માત્ર કાગળ પરના વચનો નથી, પરંતુ જામનગરના પ્રત્યેક નાગરિક સાથેનું એક મજબૂત કમિટમેન્ટ છે. પાર્ટીએ દાવો કર્યો હતો કે ઇતિહાસ સાક્ષી છે કે કોંગ્રેસે જ્યારે પણ વચનો આપ્યા છે, ત્યારે તે હંમેશા પૂર્ણ કર્યા છે. મેનિફેસ્ટોના મુખ્ય આકર્ષણો અને વચનો કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં શહેરની પાયાની સુવિધાઓથી લઈને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધીના મુદ્દાઓને આવરી લીધા છે.
શહેરીજનોને દરરોજ બે વખત સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવાનું વચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, ગટર અને પાણીની લાઈનો એકબીજામાં ભળી ન જાય તે માટે તેની અલગ લાઈન વ્યવસ્થા ઊભી કરવાની ખાતરી અપાઈ છે.
સ્વચ્છતાઃ શહેરને ગંદકીમુક્ત બનાવવા માટે ડોર-ટુ-ડોર કચરો ઉઠાવવાની કામગીરી દૈનિક ધોરણે અને વધુ સક્ષમ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
જામનગરના યુવા ક્રિકેટરો અને રમતપ્રેમીઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરના ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ કરવાનું મહત્વનું વચન અપાયું છે.
દર ચોમાસે જામનગરમાં સર્જાતી જળબંબાકારની સ્થિતિ અને પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ટેકનિકલ આયોજનની વાત કરવામાં આવી છે.
સ્લમ વિસ્તારોમાં રહેતા લોકો માટે “પહેલા પુનર્વસન, પછી ડિમોલિશન” ની નીતિ અપનાવવામાં આવશે, જેથી ગરીબ પરિવારોને બેઘર થવું ન પડે.
પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમે જણાવ્યું હતું કે, વર્તમાન શાસકોના શાસનમાં જામનગરની જનતા પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહી છે. કોંગ્રેસ સત્તા પર આવશે તો સામાન્ય માણસના પ્રશ્નોને પ્રાધાન્ય આપીને ભ્રષ્ટાચારમુક્ત વહીવટ પૂરો પાડશે. જામનગર કોંગ્રેસનો આ મેનિફેસ્ટો મધ્યમ અને ગરીબ વર્ગના મતદારોને આકર્ષવા માટેનો એક માસ્ટરપ્લાન માનવામાં આવી રહ્યો છે. હવે જાવાનું એ રહેશે કે જામનગરની જનતા આ વચનો પર કેટલો વિશ્વાસ મૂકે છે.