વાંસજાળીયામાં બેંકના કેશિયર સામે ૩૪.૪૫ લાખની ઉચાપત આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ તિજારીની ચાવી મેળવીને પૈસા પોતાના અંગત કામ માટે લીધા હતા. હાલ આરોપી ફરાર છે, તેને શોધી કાઢવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલો સામે આવતા બેંક વર્તુળોમાં ચકચાર મચી જવા પામી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર જામનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓપ. બેંકની વાંસજાળીયા શાખાના કેશિયર સામે ફરિયાદ નોંધાઈ છે. જે અનુસાર આરોપીએ તિજારીની ચાવી મેળવીને ગત મહિનાઓમાં ૩૪.૪૫ લાખની રકમ ઉપાડી લઈને પોતાના અંગત કામ માટે બેંકમાંથી લઈ ગયો હતો. આ અંગેનો મામલો સામે આવતા કેશીયર વિરૂધ્ધ ઉચાપતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
જામનગર ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ માહિતી આપતા જણાવ્યું કે, જામજાધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી પૈસા પોતાના અંગત કામ માટે લઈ જતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. હાલ કેશિયર ફરાર છે, તેને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મુદ્દામાલ જપ્ત કરવામાં આવશે તેમજ આગળની કાર્યવાહી કરવામાં આવશે.