શહેર જાણે ગુનાની ઘટનાઓના બોમ્બ પર બેઠું હોય તેમ એક પછી એક હત્યાની ઘટનાઓ સામે આવતી જાય છે. પરિણામે જિલ્લાભરમાં હાહાકાર મચી ગયો છે. આ ટૂંકા ગાળામાં જ હત્યાની ચોથી ઘટના સામે આવી છે.

પ્રેમ પ્રકરણમાં યુવકને ઢોર માર માર્યા બાદ યુવકનું સારવાર દરમિયાન મોત થતાં સનસનાટી મચી ગઈ છે. પ્રેમ પ્રકરણના કારણે ગત ૭ મી તારીખના રોજ યુવાનનું અપહરણ કર્યું હતું, જેને ઢોર માર મારી કનસુમરા પાસે અવાવરૂ સ્થળે ફેંકી દેવામાં આવ્યો હતો. આ યુવાને ગઇકાલે હોસ્પિટલલ ખાતે આખરી શ્વાસ લેતા ખળભળાટ મચી ગયો છે.

જિલ્લાભરમાં ચકચાર મચાવતી આ ઘટનાની વિગત એવી છે કે જામનગરના નાઘેડી ગામ પાસે આવેલ અવધનગરીમાં રહેતા આશિષ રાણાભાઈ અસવાર નામના ૨૧ વર્ષની વયના એક યુવાનને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી તેઓ લીવ ઈન રીલેશનમાં રહેતા હતા. ગત તારીખ ૫ ના રોજ આ પ્રેમ પ્રકરણનો ખાર રાખીને વિક્રમભાઈ, રામદેવભાઈ અને નીરૂબેન દ્વારા આ યુવાનનું અપહરણ કર્યું હતું. પરિણામે યુવતી પોતાના પાડોશી સાથે સીટી સી. ડિવિઝન પોલીસ મથકે પહોંચી હતી, અને પોતાના પ્રેમી મિત્ર આશિષનું અપહરણ કરી જવા અંગે અને ઢોર માર મારવા અંગે વિક્રમભાઈ, રામદેવભાઈ અને નીરૂબેન સામે ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ આ બનાવને અંજામ આપી આરોપીઓ નાસી છૂટ્યા હતા.

ઢોર માર બાદ યુવકની સ્થિતિ ગંભીર જાણતા યુવકને તાત્કાલિક સારવાર અર્થ જામનગરની જી.જી. હોસ્પિટલલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં લાંબી સારવાર દરમિયાન યુવકે ગઈકાલે હોસ્પિટલલમાં દમ તોડી દીધો, જેને લઈને બનાવ હત્યામાં પલટાયો છે. જી.જી. હોસ્પિટલલમાં મૃતકના પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આશિષનું અપહરણ કરી અને તેને માર મારવામાં આવ્યો હતો બાદમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે.