રાજય સરકાર દ્વારા તા.૧/૪/૨૦૦૫ પહેલાનાં કર્મચારીઓ ને જૂની પેન્શન યોજના મા સમાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.જેની કર્મચારી મંડળો દ્વારા આવકારવામાં આવ્યો છે.આજે જામનગરમાં એક મેકના મોઢા મીઠા કરાવી અને ફટાકડા ફોડીને રાજ્ય સરકારના આ નિર્ણયને વધાવવામાં આવ્યો હતો.અને સરકારનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણી વખતે તા.૧/૪/૨૦૦૫ પહેલાનાં કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ બે વર્ષ સુધી તેઓ અમલ નહીં થતાં સમયાંતરે કર્મચારી મહામંડળ અને કર્મચારી મોરચા દ્વારા જુદા જુદા અનેક વિધ કાર્યક્રમો યોજી સરકાર ઉપર કર્મચારી ઓ ના હિતમાં નિર્ણય લેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેનાં અનુસંધાને તા.૮ નવેમ્બર ૨૦૨૪ ના રોજ રાજય સરકાર દ્વારા તા.૧/૪/૨૦૦૫ પહેલાનાં કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાનો ઠરાવ થતાં આજે જામનગર જિલ્લાના વિવિધ કર્મચારી સંઘોના હોદેદારો દ્વારા કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા વગેરેનો આભાર વ્યકત કરવામાં.આવ્યો હતો.
ઉપરોકત ઠરાવમાં ૨૦૦૫ પહેલાં આશ્રિત તરીકે ભરતી થયેલા કર્મચારીઓને લાભ અંગે વિસંગતતા છે. તેમજ ફિક્સ પગાર થી ફિક્સ પગાર માં જેમને સળંગ નોકરી મળી નથી તેવા વિવિધ કર્મચારીઓને પણ આ ઠરાવ નો સમાંતર લાભ મળે તે માટે રાજય સ્તરેથી સરકાર સાથે મસલત કરી કર્મચારીઓને ન્યાય અપાવવા પ્રયાસો હાથ ઘરવામાં આવશે.
કેન્દ્ર સરકાર અને ભારતનાં ૧૫ જેટલા રાજયમાં હાલ ૫૩ ટકા મુજબ મોંઘવારી મળતી હોય જેનો ગુજરાતમાં અમલ થાય તેમજ કેન્દ્રનાં ધોરણે ૧૦ ટકા , ૨૦ ટકા , ૩૦ ટકા મુજબ ભાડું મળે તેમજ ગ્રેચ્યુઇટીની ગણતરીમાં ફિકસ પગારની નોકરી ગણવામાં આવે તથા ફિકસ પગાર પ્રથા અને કરાર આધારિત ભરતીઓ રદ કરવામાં આવે તે માટેના પ્રયાસો ચાલુ રહેશે. રાજય સરકારે પ્રસિધ કરેલ ઠરાવ પૈકી કેન્દ્ર ના ધોરણે ગ્રેચ્યુઈટીનો ઠરાવ બાકી હોય તે ઝડપથી ઉકેલવા તેમજ ૨૦૨૭ સુધીમાં રાજયના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના મળી રહે તે માટે આગામી ૩ વર્ષ સુધી ગુજરાત રાજય સંયુકત કર્મચારી મોસ્યા અને કર્મચારી મહામંડળ દ્વારા કેન્દ્રીય સ્તરે અને રાજય સ્તરે વિવિધ સભાઓ, રેલીઓ, ઘરણાઓ જેવા કાર્યક્રમો કરી સતત પ્રયાસો કરવામાં આવશે. તેવું કર્મચારી મહામંડળના પ્રમુખ સતિષભાઈ પટેલ અને કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વીજયસિંહ જાડેજા તેમજ નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયા એ જણાવ્યું છે.જામનગર મા કર્મચારીઓ દ્વારા એક બીજાને મોઢા મીઠા કરવી આને ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.