જામનગરના નાઘેડી નજીક આવેલા લહેર તળાવમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા એક જ પરિવારના ત્રણ સભ્યોના ડૂબી જવાથી કરૂણ મોત થયા છે. આ દુર્ઘટનામાં પિતા સંજયભાઈ રાવલ અને તેમના બે પુત્રો પ્રિતેશભાઈ રાવલ અને અંશભાઈ રાવલનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે.
પ્રાથમિક માહિતી મુજબ, પરિવાર ગણેશ વિસર્જન માટે લહેર તળાવ પર ગયો હતો. વિસર્જન દરમિયાન અચાનક આ દુર્ઘટના બની હતી અને ત્રણેય પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. લાંબી શોધખોળ બાદ ફાયર બ્રિગેડે ત્રણેયના મૃતદેહને બહાર કાઢ્યા હતા. મૃતદેહને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહોનો કબજા લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે. ગણેશ વિસર્જન જેવા પવિત્ર પ્રસંગે બનેલી આ કરૂણાંતિકાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.