જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા મથકની ભાગોળે એક અત્યંત કમકમાટીભરી અકસ્માતની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવતી એક કારે રોડની સાઈડમાં આવેલા શેરડીના રસના ચિચોડાને હડફેટે લીધો હતો. આ ભયાનક અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે જાઈને કોઈપણનું હૃદય કંપી ઉઠે તેમ છે. આ દુર્ઘટનામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હોવાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ઘટનાની વિગતો મુજબ, માર્ગ પર આગળ બસ જઈ રહી હતી અને નજીકમાં સ્પીડ બ્રેકર પણ હતું, તેમ છતાં કાર ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર ચાલકે ફુલ સ્પીડમાં પોતાની કાર ચલાવીને સીધી જ શેરડીના રસના ચિચોડામાં ઘુસાડી દીધી હતી. શેરડીનો રસ પીવા માટે ઉભેલા લોકો કંઇ સમજે તે પહેલા જ કાળમુખી કાર તેમને કચડીને બહાર નીકળી ગઈ હતી. આ અકસ્માતમાં ૪ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા લોકો પૈકી એક મહિલા અને એક તરુણના કરુણ મૃત્યુ નિપજ્યા છે. અચાનક સર્જાયેલી આ દુર્ઘટનાને કારણે ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. અન્ય ૨ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માત સર્જ્‌યા બાદ કાર ચાલક ગાડી છોડીને ફરાર થઈ ગયો હતો.
અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ફરાર થઈ ગયેલા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. માર્ગ પર બનેલી આ ઘટનાએ ટ્રાફિક નિયમોના પાલન અને બેફામ ડ્રાઈવિંગ સામે અનેક સવાલો ઉભા કર્યા છે.