ગુજરાતમાં અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. ઓવરસ્પિડને કારણે છાશવારે અકસ્માતની ઘટના બનતી હોય છે ત્યારે જામનગરમાં આવી જ એક ઘટના બની છે જેમાં કારચાલકે યુવકને અડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
જામનગરમાં ખોડિયાર કોલોની નજીક અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી કારે યુવકને અડફેટે લીધો હતો. યુવક ફંગોળાયો હતો અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરી છે.
નોંધનીય છે કે, મૃતક યુવકની ઓળખ બાકી છે તેમજ કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રોડ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે.