દેવભૂમિ દ્વારકા પોલીસે જીલ્લાના ખંભાલીયા, સલાયામાંથી ૬૬ કિલો ડ્રગ્સ સાથે બે સ્થાનિક સહીત ત્રણ શખ્સોને પકડી પાડ્યા બાદ યુવાધનને બરબાદીના રવાડે ચડવાતા ડ્રગ્સના નેટવર્ક પર ગુજરાત એટીએસ રીતસરની તૂટી પડી છે. એટીએસ દ્વારા મોરબીના ઝીંઝુડા ગામેથી એક સલાયાના
શખ્સ સહીત ત્રણને ૧૨૧ કિલો ડ્રગ્સ સાથે તેમજ દેવભૂમિ દ્વારકા જીલ્લાના નાવદ્રા ગામેથી એક સખ્સને ૧૨૦ કીલો ડ્રગ્સ સાથે દબોચી લીધો હતો. આ ડ્રગ્સ કાંડમાં સંડોવાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન જામનગર જીલ્લાના જાડિયાના પિતા પુત્ર પૈકી પકડાયેલ રહીમ નોડેએ બેડી બંદર નજીકથી બે કિલો ડ્રગ્સ કાઢી આપ્યું હતું.
છેલ્લે ધરપકડ કરાયેલ પંજાબ અને નાઈજીરીયન શખ્સના રિમાન્ડ દરમિયાન જામનગર જીલ્લાના સચાણાના એક અને એક પુનાના શખ્સની સંડોવણી ખુલવા પામી હતી જેને લઈને એટીએસ દ્વારા સચાણાના જાવીદ ઉર્ફે જાબીયર અને પુનેના સર્જેરાવ કેશવરાવ ગરડને પકડી પાડ્યા હતા. જાડિયાના શખ્સના ઇશારે સચાણાના જાવીદે પુણેના મરાઠા શખ્સ તેમજ એક નાઈઝીરીયન શખ્સની મદદથી રાજ્ય બહાર ૫૦૦ કરોડની કીમતનું ડ્રગ્સ વેચી માર્યું હોવાની વિગતો સામે આવી હતી, જેમાં તપાસનો ધમધમાટ ફરી જામનગર જીલ્લા તરફ લંબાવ્યો છે. આરોપી જાવીદને સાથે રાખી એટીએસની ટીમ જામનગરના સચાણા પહોંચી હતી. એટીએસની ટીમે બંદરીય વિસ્તારમાં સઘન તપાસ કરી જેમાં ડ્રગ્સ સપ્લાય કરવા ઉપયોગમાં લેવાયેલ એક બોટ કબજે કરવામાં આવી છે.