જામનગરમાં થોડા સમય પહેલા એક નાગરીકને ડિજિટલ અરેસ્ટ કરીને રૂપિયા ૨૬.૯૦ લાખની રકમ પડાવી લીધાનો કિસ્સો સામે આવ્યો હતો, આ સમગ્ર મામલો સાયબર ક્રાઇમ પોલીસમાં પહોંચતા તપાસ શરૂ થઈ હતી. તપાસ દરમિયાન આ ડિજિટલ અરેસ્ટ કરનાર ઠગ ટોળકીના એક સાગરીત છેક રાજસ્થાનના જાધપુરમાંથી પકડાયો છે, જેની પુછપરછ બાદ આ ટોળકીના અન્ય સાગરીતોની શોધખોળ કરવા માટેની તપાસ હાથ ધરાઈ છે.

જામનગર જિલ્લાના એક નાગરિકને આ ટોળકીએ પ્લાનિંગ કરી ડિજિટલ અરેસ્ટનો ભોગ બનાવ્યો હતો. આ ટોળકીએ વિવિધ વોટસએપ ગ્રુપ બનાવી જુદા જુદા બેંક ખાતાઓનો અને વોટસએપ મોબાઈલ નંબરોનો ઉપયોગ કરી ફરિયાદીના મોબાઈલ નંબર પર ફોન કરી કહ્યું હતું કે, ‘તમારા નામે ફેડેક્સ કુરિયરમાં પાર્સલ આવ્યું છે અને તે પાર્સલમાં ૧૪૦ ગ્રામ એમડીએમએ ડ્રગ છે. માટે તમારા વિરુધ્ધ એનડીપીએસનો ગુનો થઈ શકે છે.’

જે બાદ સ્કાઈપ એપ્લીકેશનમાં વીડિયો કોલ દ્વારા ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કરી ડરાવી ધમકાવીને ફરીયાદી પાસેથી રૂ.૨૬.૯૦ લાખ અલગ અલગ બેંકમાં જમા કરાવ્યા હતા. જે બાદ આરોપીઓએ આ રકમ અન્ય બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી. જેથી ફરીયાદી એ આ સમગ્ર મામલે પોલીસમાં જાણ કરતા ડિજિટલ અરેસ્ટનો ગુનોનો ભોગ બનાવ્યો હોવાનું સામે આવતા આ અંગે જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.

આ ગુનાની તપાસમાં સાયબર ક્રાઈમના પોલીસ સ્ટાફે ટેકનીકલ એનાલીસીસ હાથ ધરી અને હ્યુમન સોર્સિસથી માહિતી એકત્ર કરી રાજસ્થાનથી રાજુરામ સોહનરામ ગેહલોતને દબોચી લીધો હતો અને વિધિવત્ ધરપકડ કરી છે અને રાજુરામ ગહેલોત નામના શખ્સને જામનગર લાવવામાં આવ્યો છે. જ્યાં પોલીસ દ્‌દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ ગેંગના અન્ય સાગરીતોને ઝડપી  પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. તેવી માહિતી ડ્ઢઅજp રાજેન્દ્ર દેવધાએ આપી હતી.