જામનગરના મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક મહિલા પોલીસ કર્મચારી કે જેઓ પ્રસૂતિ અર્થે પોતાના ભાઈના ઘેર આવ્યા હતા, જ્યાં ભાઈબીજના દિવસે તેઓનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ નિપજ્યું હતું, જેના આઘાતમાં મહિલા પોલીસ કર્મચારીના પતિએ પણ વિજરખી ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. આ ભારે ગમગીની ફેલાવનારા બનાવની વિગત એવી છે કે, જામનગરમાં ગોકુલ નગર નજીક શ્યામ નગર શેરી નંબર -૨ માં રહેતા અને મહિલા પોલીસ મથકમાં મહિલા પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા સેજલબેન જોગેશભાઈ નકુમ કે જેઓ તાજેતરમાં જ મેટરનીટી લીવ પર ઉતર્યા હતા, અને છેલ્લા બે મહિનાથી તેઓ પોતાના માવતરે પ્રસૂતિ અર્થે ગોકુલ નગર રહેવા માટે આવ્યા હતા. જ્યાં ભાઈબીજના તહેવારના દિવસે બાથરૂમમાં નહાવા માટે જતાં તેઓને હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને સેજલબેનનું મૃત્યુ નિપજ્યું હતું.