જામકંડોરણા ખાતે તા.૨૯ને રવિવારે બપોરે ૩ કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિતનાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લા સહકારી બેંક સહિતની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાશે. જેની તડામાર તૈયારીઓ હાથ ધરાઇ છે. રાજકોટ જિલ્લા સહકારી બેંકનાં ચેરમેન અને ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ જણાવ્યું હતું કે જામકંડોરણાના કાલાવડ રોડ ખાતે આવેલા કુમાર છાત્રાલય ખાતે રાજકોટ જિલ્લાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરાયું છે. આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજય અને કેન્દ્ર સરકારના મંત્રીઓ તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહેનાર છે. રાજકોટ જિલ્લાની સાત સહકારી સંસ્થાઓ જેમાં રાજકોટ જિલ્લા સહકારી બેંક (આરડીસી) બેંક, રાજકોટ દૂધ ઉત્પાદન સંઘ લી., રાજકોટ જિલ્લા ખરીદ વેચાણ સંઘ લી., રાજકોટ જિલ્લા સહકારી સંઘ, રાજકોટ જિલ્લા કો-ઓપ. કોટન માર્કેટીંગ યુની.લી., રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રા લી. રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેંક લી.ના કર્મ. સ.મં.લી.ની રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાનારી આ વાર્ષિક સાધારણ સભામાં ઉદ્ઘાટક તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને દીપ પ્રાગટય વિધિ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કરાશે.આ કાર્યકમમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને ભાનુબેન બાબરીયા અને સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિતના મંત્રીઓ તેમજ સાંસદ પરશોતમભાઈ રૂપાલા, ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી તેમજ અજયભાઈ પટેલ, બી.કે. સીંઘલ, ગોવિંદભાઈ રાણપરીયા તેમજ ધારાસભ્યો અને સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ હાથ ધરાઇ છે.