સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામના ઇન્ડિયન આર્મીના જવાન ભરતભાઈ દિલુભાઈ શિણવિયા નાસિક ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને સાવરકુંડલાથી બાઈક રેલી અને વાહનો દ્વારા વાજતે-ગાજતે જાબાળ ગામમાં લાવી ઢોલ-નગારા અને સંગીતની રમઝટ સાથે સમગ્ર ગામમાં રેલી કાઢી હતી, જેમાં સમસ્ત ગ્રામજનો, માતા-પિતા, પરિવારજનો અને ગામના આગેવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રાથમિક શાળાના પટાંગણમાં આયોજિત સન્માન સમારોહમાં સરપંચ જયદીપભાઈ ખુમાણ, ઉપ-સરપંચ કરશનભાઈ શિણવિયા, ગ્રામ પંચાયત કમિટી, શાળા વ્યવસ્થાપન કમિટી તેમજ શાળા પરિવાર દ્વારા ભરતભાઈનું શિલ્ડ, પ્રમાણપત્ર, શાલ અને હારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગામના વડીલો અને બહારગામથી પધારેલા મહેમાનોએ પણ પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું. ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી હતી.






































