જાફરાબાદ શહેરમાં મોટા ઊચાણીયા વિસ્તારમાં એક ત્રણ માળના બિલ્ડિંગમાં આગ લાગી હતી. બિલ્ડિંગની નીચે કાપડ રેડીમેઈડની દુકાન હતી અને એક બીજી દુકાનમાં ફરસાણનું ગોડાઉન હતું. રાત્રીના સમયે કોઈ કારણોસર આગ લાગતા ભારે દોડધામ મચી હતી. જાફરાબાદ નગરપાલિકા પાસે ફાયર ફાઈટર ખરાબ હાલતમાં હોવાને કારણે ઉપયોગ કરી શકાય તેમ ન હતો, જેના કારણે આખી બિલ્ડીંગમાં આગ ફેલાઈ ગઈ હતી. બિલ્ડીંગમાં ભારે નુકસાન થયું છે. અહીં આગ વધુ વકરતા નજીકના નર્મદા સિમેન્ટ અને સીંટેક્ષ કંપનીની ફાયર ટીમો બોલાવી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી કંટ્રોલ કરવામાં આવ્યો હતો. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. વિકરાળ આગને કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાયા હતા અને આસપાસના લોકોમાં ભારે ભાગદોડ મચી હતી. આગના કારણે દુકાનોમાં રહેલ મોટાભાગનો સામાન બળીને ખાખ થતા લાખો રૂપિયાનું નુકસાન જોવા મળી રહ્યું છે.