અમરેલી જિલ્લામાં સિંહોના મોતનો મામલો અટકતો નથી. ઘણીવાર રેલવે ટ્રેક પર સિંહ આવી ચડતા હોવાથી સિંહના મોત થાય છે તો ઘણીવાર ખુલ્લા કૂવામાં સિંહ ખાબકતા હોવાથી પણ મોતને ભેટે છે. તો કયારેક ઈનફાઈટમાં પણ સિંહના મોત થાય છે. ત્યારે આવો જ એક બનાવ જાફરાબાદ રેન્જમાં બનવા પામ્યો છે. અમરેલીના જાફરાબાદ રેન્જમાં આવેલા માઈન્સ વિસ્તારમાં સિંહના ગ્રુપ વચ્ચે ઈનફાઈટ થઈ હતી. જેમાં ત્રણ સિંહબાળ ગંભીર રીતે ઘવાતા મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા તાત્કાલીક વનવિભાગની ટીમો ઘટનાસ્થળ પર પહોંચી હતી. ત્રણેય સિંહબાળના મૃતદેહને બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. જાફરાબાદ માઈન્સ વિસ્તારમાં સિંહના કયા ગ્રુપ વચ્ચે ઈનફાઈટ થઈ હતી તેને લઈ વનવિભાગ દ્વારા સ્કેનિંગ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. ઈનફાઈટમાં એકસાથે ત્રણ સિંહબાળના મોત થતા વનવિભાગ પણ ચોંકી ઉઠ્યું છે. આ બનાવ અંગે વન અધિકારીએ કહ્યું હતું કે, માઈન્સ વિસ્તારમાં ઈનફાઈટના કારણે ૩ સિંહબાળના મોત થયા છે. આ અંગે અમારી ટીમો તપાસ કરી રહી છે. અમરેલી જિલ્લામાં સિંહની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. અમરેલીમાં રેવન્યૂ રહેણાંક વિસ્તાર અને દરિયાકાંઠે આવેલા રાજુલા, જાફરાબાદ, પીપાવાવ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક વિસ્તાર આસપાસ સિંહનો વસવાટ વધ્યો છે. ઉદ્યોગો અને આસપાસના માઈન્સ વિસ્તારમાં સિંહની અવરજવર પણ જોવા મળતી હોય છે. એકસાથે ત્રણ સિંહબાળના મોત થવાથી સિંહપ્રેમીઓમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.