જાફરાબાદ બંદર પર નાળિયેરી પૂનમ નિમિત્તે માછીમારોએ વર્ષોની પરંપરા મુજબ દરિયા દેવનું પૂજન કર્યું હતું. ચોમાસાની ઋતુમાં બંધ રહેતી માછીમારીની સિઝન હવે શરૂ થવાની છે. માછીમારોએ વિધિવત રીતે દૂધ, અબીલ-ગુલાલ સાથે દરિયા દેવની પૂજા કરી હતી. આ પૂજનમાં માછીમાર આગેવાનો, મહિલાઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. મધદરિયામાં માછીમારી કરવા જતા માછીમારોની સુરક્ષા અને રક્ષા માટે દરિયા દેવને પ્રાર્થના કરવામાં આવી હતી. ખારવા સમાજની આ પરંપરા મુજબ બોટમાલિકો દૂધની હેલ, વિવિધ ફૂલો અને શ્રીફળ સાથે પૂજન કરે છે. સાગરખેડૂ મહિલાઓ દરિયા કિનારે અગરબત્તી, દીવો અને પ્રસાદ અર્પણ કરે છે. પોતાના પતિ, પુત્રો અને ભાઈઓની રક્ષા માટે દરિયા દેવને પ્રાર્થના કરે છે. શુકનરૂપે નાની હોડીઓ પણ દરિયામાં છોડવામાં
આવે છે.







































