જાફરાબાદ પંથકમાં રહેતી એક યુવતીને જો તું મને મળવા નહીં આવ તો તારા ફોટા વાયરલ કરી દઈશ તેવી ધમકી આપી મળવા બોલાવી અપહરણ કરીને લઈ ગયા હતા. પરિણીતા ગર્ભવતી હોવા છતાં પણ તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ઉપરાંત જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પરિણીતાએ મૂળ અમરેલીના ખાંભા તાલુકાના ત્રાકુડા ગામના અને હાલ ગીર ગઢડા તાલુકાના જામવાળા ગામે રહેતા નીતીનભાઈ મધુભાઈ પરમાર (ઉ.વ.૨૨) તથા રમેશભાઈ મધુભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેને નતિનભાઈ મધુભાઈ પરમાર સાથે લગ્ન પહેલાનો પ્રેમ સંબંધ હતા. તેના લગ્ન થતાં તેણે વાત કરવાનું બંધ કરી દીધું હતું. જે બાદ તેને ફોન કરીને હું તને મળવા માંગુ છું અને જો તું મને મળવા નહીં આવે તો હું તારા ફોટા સમાજમાં વાયરલ કરી તને બદનામ કરીશ તેવી ધમકી આપી હતી. જૂન, ૨૦૨૪માં તે પિયરમાં હતી તે દરમિયાન રાત્રે એક વાગ્યે તેને ફોન કરીને કહ્યું કે હું આવી ગયો છું, તું મને બહાર મળવા આવ તેમ કહી રોડ પર બોલાવીને મોટર સાયકલમાં બેસાડી થોડીવારમાં આવી જઈશું તેમ કહી આટકોટ મુકામે લઈ ગયો હતો. જ્યાં તેના ભાઈએ તેના ઘરેણા ગીરવે મુકી પૈસા લાવી ભાડાના મકાનની વ્યવસ્થા કરી આપી હતી. અહીં એક મહિનો રોકાયા હતા. તે દરમિયાન તેણી ગર્ભવતી હોવાથી શરીર સંબંધ બાંધવાની ના પાડતાં મારઝુડ કરી ગાળો આપી હતી. આરોપીએ તેણી ગર્ભવતી હોવાનું જાણવા છતાં મરજી વિરુદ્ધ અવાર નવાર બળાત્કાર ગુજાર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.ડી હડીયા વધુ તપાસ કરી રહ્યા છે.