જાફરાબાદ તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેતીના પાકોને થયેલ નુકસાનીની સહાય જાહેર કરવા અમરેલી જિલ્લા પંચાયતમાંથી મુખ્યમંત્રી સમક્ષ માગણી થઇ છે. જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન કરશનભાઈ ભીલ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર લખીને જણાવવામાં આવ્યું છે કે, જાફરાબાદ તાલુકાના કુલ ૪૨ ગામોમાં તા.૨૫-૨૬-૨૭/ઓક્ટોબરના રોજ અતિ ભારે માવઠાના કારણે ખેડૂતોને કપાસ, મગફળી, સોયાબીન, બાજરી જેવા તમામ પાકોમાં ખૂબ મોટું નુકસાન થયેલ છે. તમામ ગામોમાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાથી ઘરવખરીને ખૂબ નુકસાન થયેલ છે. આથી તાત્કાલિક ધોરણે સર્વે કરી સહાય ચૂકવવી જોઇએ. આ પત્રની નકલ જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી, કૌશિકભાઇ વેકરીયા રાજય કક્ષાના ઊર્જા મંત્રી, ભરતભાઈ સુતરીયા-સાંસદ, પ્રમુખ-જિલ્લા પંચાયત અને હીરાભાઈ સોલંકી ધારાસભ્ય-રાજુલા, જાફરાબાદ, ખાંભાને મોકલી છે.










































