જાફરાબાદ તાલુકાના દરિયા કિનારે આવેલ વારાહસ્વરૂપ ગામમાં વારાહસ્વરૂપ ભગવાનના મંદિરના સાનિધ્યમાં ૧૨ નવેમ્બરના રોજ દિવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. રાજુલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મીઠાભાઈ અને વારાહસ્વરૂપ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કથીવદર મુકામેથી ઠાકોરજીની જાન લઈને વારાહસ્વરૂપ મંદિરમાં વૃન્દા (તુલસી માતાજી) સાથે વિવાહ કરવામાં આવશે. મીઠાભાઈ અને ખીમભાઈ આ તુલસી વિવાહના મુખ્ય યજમાન છે. આ ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતની સુપ્રસિદ્ધ લોકગાયિકા કિંજલ રબારી સહિત દમયંતી ચૌહાણ, નિલેશ ત્રિવેદી, મધુ સાંખટ પોતાના મધુર સુરથી લોકડાયરા અને લગ્નગીતોની રમઝટ બોલાવશે. રાત્રે સર્વ ધર્મપ્રેમી જનતા માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સંતો, મહંતો, રાજકીય અને સામાજિક આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સમસ્ત કથીવદર ગામ અને વારાહસ્વરૂપ ગામ જાન લઈ જવા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.