જાફરાબાદમાં લાઉડ સ્પીકર ધીમે વગાડવાનું કહેતા માથાકૂટ થઈ હતી અને બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. મનોજભાઈ નથાભાઈ બાંભણીયા (ઉ.વ.૨૪)એ રાજેશભાઇ રામાભાઇ સોલંકી, કવુબેન રાજેશભાઇ સોલંકી તથા ભકિત રાજેશભાઇ સોલંકી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીના ઘરે જોરથી લાઉડ સ્પીકર વાગતું હતું, તેમના મોટા ભાઇને ઘરે દસ દિવસની નાની દીકરી હોવાથી લાઉડ સ્પીકરનાં અવાજથી ઉંઘી શકતી નહોતી. જેથી તેમના પિતાએ લાઉડ સ્પીકર ધીમું વગાડવાનું કહેતા તેમના પિતાને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને તેમને શરીરે મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ ભક્તિરામભાઈ રાજેશભાઈ સોલંકીએ નાથાભાઇ રાજાભાઇ બાંભણીયા, મનોજભાઇ નાથાભાઇ બાંભણીયા તથા શૈલેષભાઇ નાથાભાઇ બાંભણીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના પિતા જોરથી લાઉડ સ્પીકરમાં પ્રભાતીયા (ભજન) વગાડતા હતા. જેથી આરોપીઓને સારૂ નહિ લાગતા ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. ઉપરાંત તેમના પિતાને ત્રણેય આરોપીઓએ બિભત્સ શબ્દોમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.બી.ચૌહાણ વધુ તપાસ કરી રહ્યા છે.