વાતાવરણમાં અચાનક પલટો આવતા જાફરાબાદના દરિયામાં કરંટ જાવા મળ્યો હતો. અહીં તંત્રની બેદરકારી સામે આવી છે. જેમાં પવન ફૂંકાવા અંગે અંગે માછીમારોને કોઇ ચેતવણી આપવામાં આવી નહોતી, જેના કારણે માછીમારો કોઇ દરકાર વિના માછીમારી કરતા રહ્યા હતા. દરમિયાનમાં પવન ફૂંકાતા માછીમારો દરિયામાં ફસાયા હતા. જેમાં શંકર કાના બારૈયાની માલિકીની બોટે દરિયામાં જળસમાધિ લેતા માછીમારોના જીવ પડીકે બંધાયા હતા. જાકે બીજી બોટ દ્વારા ફસાયેલા આઠેય માછીમારોને બચાવી લેવાયા હતા. હાલમાં પ૦૦ જેટલી બોટો બંદરે પરત આવી પહોંચી છે. હજુ ર૦૦ જેટલી બોટો દરિયામાંથી પરત આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, માછીમારોને કોઇ ચેતવણી અપાઇ ન હોવાથી દરિયામાં દૂર સુધી ચાલ્યા ગયા હતા અને અચાનક દૂરથી બોલાવી લેવાયા હતા. ઘણી બોટો દરિયામાં હોવાથી માછીમારોના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. જાફરાબાદ ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું હતું કે, ખરાબ હવામાનના કારણે એક બોટ ડૂબી ગઇ છે અને હજુ પણ ર૦૦ જેટલી બોટો દરિયામાં છે. અમોને બોટ પરત લાવવા માટે કોઇએ સૂચના આપેલ નથી.
પૂર્વ સંસદીય સચિવ હીરાભાઇ સોલંકીએ દરિયામાં ફસાયેલા માછીમારોને તુરંત પરત લાવવા તેમજ ગતરાત્રે ખેડૂતો, માછીમારોને થયેલ નુકસાનનો તાગ મેળવી વળતર આપવા રજૂઆત કરી હતી.ૃ