જાફરાબાદ તાલુકામાં ત્રણ જેટલી મોટી કંપનીઓ કાર્યરત છે. આ કંપનીઓમાં સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવતી નથી પરંતુ પરપ્રાંતીય લોકોને તેમાં વધારે પગાર આપી રોજગારી આપવામાં આવે છે, આથી સ્થાનિકોને રોજગારી કેમ નહીં ? તેવા અનેક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. જાફરાબાદની નર્મદા કંપની દ્વારા તો અગાઉ ઘણી સારી વાતો કરવામાં આવી હતી અને લોકોને ભ્રમિત કરાયા હતા અને હવે આ કંપનીના અધિકારીઓ સ્થાનિક લોકોને જવાબ પણ નથી દેતાં. નર્મદા કંપનીની કોલોનીમાં આદિત્ય બિરલા સ્કૂલ આવેલી છે તેમાં જાફરાબાદ ગામના વિદ્યાર્થીઓને સારું ભણતર મળશે એવી આશા હતી, વિદ્યાર્થીઓ માટે બસ પણ ચાલુ કરવામાં આવી હતી પરંતુ હાલ આ બસ પણ બંધ કરી દીધી છે. ટૂંક જ સમયમાં જાફરાબાદના લોઠપુર નજીક ઇન્ડોન એશિયા નામનો કોપર કંપનીનો પ્લાન્ટ શરુ થવાનો છે ત્યારે આ કંપનીના અધિકારીઓ પણ અત્યારે ઓછા ભાવે જમીનની ખરીદી કરીને લોકોને ગુમરાહ કરી રહ્યા છે. અગાઉ જાફરાબાદ નજીક આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા પણ આવી રીતે લોકો સાથે રમત કરીને ઓછા ભાવમાં જમીન ખરીદી હતી અને મોટી વાતો કરીને સ્થાનિકોને રોજગારી આપીશું તેમ કહ્યું હતું, પરંતુ હાલ આ અધિકારીઓ સ્થાનિક લોકોનું સાંભળવા પણ તૈયાર નથી. અલ્ટ્રાટેક કંપનીએ જે તે સમયે કંપનીનું કામ શરૂ કર્યું ત્યારે ઘણા ગામડા પણ દત્તક લીધા હતા. તે ગામડાઓમાં પણ અત્યારે માત્ર દેખાડવા ખાતર ફોટા પાડીને કામ બતાવવામાં આવે છે અને આગેવાનોના ખિસ્સાઓ ભરી દેવાતા હોય છે.





































