જાફરાબાદ બંદર વિસ્તારમાં મત્સ્યઉદ્યોગના નિયમોનું ઉલ્લંઘન કરનાર બે બોટ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. દરિયાઈ સુરક્ષા અને નિયમોના ભાગરૂપે બોટનું ટોકન લેવું ફરજિયાત હોવા છતાં, આ પ્રક્રિયાનું પાલન કર્યા વગર માછીમારી કરવા ગયેલા બે શખ્સો પોલીસની તપાસમાં ઝડપાઈ ગયા હતા. જાફરાબાદ બંદરથી આશરે ૨ નોટિકલ માઈલ દૂર ટેટા પુલ પાસે પેટ્રોલિંગ દરમિયાન ‘જમના સાગર’ નામની બોટ ઝડપાઈ હતી. આ બોટના માલિક અને ટંડેલ મેરામણભાઇ વાઘાભાઇ શિયાળ (રહે. જાફરાબાદ, લાલબત્તી વિસ્તાર) બોટનું અધિકૃત ટોકન લીધા વગર જ માછીમારી કરવા નીકળી ગયા હતા. ટોકન વગર દરિયામાં પ્રવેશ કરીને નિયમોનો ભંગ કરવા બદલ તેમની સામે ગુનો નોંધાયો હતો.બીજા કિસ્સામાં ‘હર હર મહાદેવ’ નામની બોટ પણ ટોકન વગર માછીમારી કરતા પકડાઈ હતી. આ બોટના ટંડેલ રમેશભાઇ જેઠાભાઇ બારૈયા (રહે. જાફરાબાદ, ખારવા વાડ) એ ગુજરાત મત્સ્યઉદ્યોગ નિયમોનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને માછીમારો માટે ટોકન પ્રથા ફરજિયાત કરવામાં આવી છે. આ નિયમનો અનાદર કરનારાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે.





































