જાફરાબાદમાં ગૌવંશના માંસની હેરફેર કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. ધાર્મિક લાગણીઓ દુભાય તેવું કૃત્ય કરી આર્થિક ફાયદા માટે ગૌવંશ અને ભેંસ-વંશનું માંસ વેચવાના ઈરાદે નીકળેલા એક શખ્સની પોલીસે તપાસ હાથ ધરી હતી. જાફરાબાદમાં પોલીસમાં એક્ટિવા પર માંસની હેરફેર થતી હોવાની બાતમી મળી હતી. ગાય એ હિન્દુ ધર્મનું પવિત્ર પ્રતિક હોવાનું જાણવા છતાં આરોપીએ પોતાના અંગત સ્વાર્થ માટે ગૌવંશ અને ભેંસ-વંશને કાપી તેનું માંસ વેચવાનું કૃત્ય કર્યું હતું. પોલીસ કાર્યવાહી દરમિયાન આરોપી સ્થળ પર હાજર મળી આવ્યો નહોતો, પરંતુ વાહનમાંથી આશરે ૧૬ કિલોગ્રામ ગૌમાંસ અને ભેંસનું માંસ જપ્ત કરવામાં આવ્યું હતું. પોલીસે કુલ રૂ. ૨૩,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ હાલ વાહનના રજિસ્ટ્રેશન નંબરના આધારે આરોપી સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.આર.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.




































