જાફરાબાદમાં કોરોના કાળથી બંધ કરાયેલ એસટીના અનેક રૂટ હજુ સુધી શરૂ ન કરાતા લોકોમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે. આ સાથે બસ સ્ટેશનમાં પૂરતી સુવિધા ન હોવાને લઇ લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે.
એસટી બસના પ્રશ્ને આજે બસ સ્ટેશનમાં શહેરના વેપારીઓ તેમજ ગ્રામજનો એકત્ર થયા હતા અને બંધ થયેલ રૂટો પુનઃ શરૂ કરવા માંગ કરી હતી. મહુવા તથા ભાવનગર જવા માટે અહીંથી માત્ર એક જ બસ છે. જ્યારે સુરત કે મુંબઇ જવા માટે એક પણ બસ નથી. આ સાથે કોડીનાર, ઉના, ગાંધીનગર, જામજાધપુર જવા માટેના રૂટ પણ છેલ્લા ઘણા સમયથી બંધ છે. બસ સ્ટેશનમાં પંખા, પીવાનું પાણી, લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ન હોવાની લોકોમાંથી ફરિયાદ ઉઠવા પામી હતી. આગામી દિવસોમાં પ્રશ્ન નહીં ઉકેલાય તો આંદોલન કરીશું, તેવી વેપારી એસો. પ્રમુખ હર્ષદભાઇ મહેતા, નારણભાઇ બાંભણીયા, હમીરભાઇ સોલંકી, રમેશભાઇ ચુડાસમા સહિતના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી.