જાફરાબાદ બસસ્ટેશનનો વહીવટ ખાડે ગયો હોવા છતાં કોઈ જવાબદાર આગેવાનો કે નેતાઓ આ બાબતે આગળ આવતા ન હોવાથી નેતાઓ અને તંત્ર સામે શહેરીજનોમાં ભારે રોષની લાગણી પ્રસરી જવા પામી છે. જાફરાબાદમાં નબળી નેતાગીરીને કારણે અનેક બસની સુવિધા ઝુંટવાઈ ગઈ છે. કોડીનાર-અમરેલી વાયા જાફરાબાદ બસ છેલ્લાં ઘણા સમયથી બંધ છે તો સુરત જવા માટે જાફરાબાદથી એકપણ બસ ઉપડતી નથી. આ પહેલા જાફરાબાદ-બારડોલી બસ ચાલતી હતી પરંતુ કોરોનાકાળમાં એસ.ટી.ના બેજવાબદાર અધિકારીઓએ આ બસ બંધ કરી દીધી હતી અને કોરોના નબળો પડયો છે ત્યારે રાજયના તમામ બસસ્ટેશનમાં એસ.ટી.ના રૂટો શરૂ કરવામાં આવ્યા છે પરંતુ જાફરાબાદ પંથક માટે એસ.ટી.ના અધિકારીઓ જાણે ઓરમાયુ વર્તન રાખતા હોય તેવુ લાગી રહ્યુ છે. જાફરાબાદથી મહુવા જવા માટે પણ એકપણ બસ ન હોવાથી મુસાફરોને નાછુટકે ખાનગી બસનો સહારો લેવો પડે છે. મહુવા જવા માટે સીધી બસ ન હોવાથી ખાનગી વાહનવાળા મુસાફરોની મજબૂરીનો લાભ લે છે અને બેફામ ભાડુ વસુલતા હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે. સીધી બસ ન હોવાને કારણે મુસાફરોને નાછુટકે ડબલ ભાડુ આપીને પણ ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે. બસસ્ટેશનમાં મુસાફરો માટે કોઈ સુવિધા નથી. આવી કાળઝાળ ગરમીમાં પંખાની સુવિધા ન હોવાથી મુસાફરો ગરમીમાં અકળાઈ રહ્યાં છે. જાફરાબાદ પંથકના મુસાફરો બસની સુવિધા માટે હાલાકી ભોગવી રહ્યાં છે છતાં પણ કોઈ આગેવાન આ બાબતે આગળ આવતો નથી. શહેરની સામાજિક સંસ્થાઓ આ બાબતે રજૂઆત કરીને થાકી ગઈ પરંતુ એસ.ટી.ના અધિકારીઓ જાફરાબાદ પંથકની જનતાને એસ.ટી.બસની સુવિધા આપવા માટે કોઈ કાર્યવાહી કરતા નથી. આગામી સમયમાં ચૂંટણીનો માહોલ હોય ત્યારે જા જાફરાબાદની જનતાને એસ.ટી.બસની પુરતી સુવિધા નહી મળે તો ચૂંટણીમાં રાજકિય પક્ષોને ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ચર્ચા શરૂ થઈ છે.