ખલાસીના પરિવારજનો ચિંતાતૂર બન્યા, દરિયાદેવ રક્ષણ કરે તેવી પ્રાર્થના

કોસ્ટગાર્ડની બોટ અને હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ, મુખ્યમંત્રીએ તમામ મદદની ખાતરી આપી

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં અંદાજે ૧૦૦૦થી વધુ બોટો આવેલી છે અને ૬૦૦૦થી વધુ લોકો માછીમારી સાથે જાડાયેલા છે. જાફરાબાદના માછીમારોનું તાજેતરમાં જ વેકેશન પૂર્ણ થયું હોવાથી માછીમારો દ્વારા દરિયાદેવનું પૂજન કરી માછીમારી કરવા માટે બોટ લઈને જાફરાબાદથી ૩૦થી ૩પ માઈલ સુધી માછીમારો જતા હોય છે. બુમલા જેવી મચ્છીઓ જાફરાબાદના દરિયામાં વધારે પ્રમાણમાં હોય અને માર્કેટમાં તેના સારા ભાવ મળતા હોવાથી બુમલા મચ્છી લેવા માટે ઘણીવાર માછીમારો પાકિસ્તાનની સરહદ નજીક પણ માછીમારી કરતા હોય છે. માછીમારો થોડા દિવસ પહેલા જ માછીમારી કરવા માટે દરિયામાં ગયા હતા પરંતુ તેમને કયાં ખબર હતી કે અચાનક જ દરિયો ગાંડોતૂર બનશે અને અમુક માછીમારોને દરિયો ખેંચી લેશે. જાફરાબાદના માછીમારો માટે મંગળવારનો દિવસ આફતનો બનીને આવ્યો હતો. માછીમારો મચ્છીઓ પકડવા માટે જાફરાબાદથી ૧પ કિ.મી. કરતા વધારે દૂર દરિયામાં માછીમારી કરી રહ્યાં હતા ત્યારે અચાનક જ મંગળવારે બપોરના સમયે દરિયો ગાંડોતૂર બન્યો હતો અને દરિયામાં કરંટ જોવા મળતા ૭ મીટર જેટલા મોજા ઉછળવા લાગ્યા હતા. માછીમારો કંઈ સમજે તે પહેલા જાફરાબાદની જયશ્રી તાત્કાલિક બોટ અને દેવકીનંદન બોટ ડૂબવા લાગતા માછીમારોએ જીવ બચાવવા માટે દરિયામાં છલાંગ લગાવી હતી તો ઉનાના રાજપરા ગામની મુરલીધર નામની એક બોટ પણ ડૂબતા તેમના ખલાસીઓએ પણ દરિયામાં છલાંગ લગાવી હતી. જા કે આ સમયે અન્ય બોટ દ્વારા ૧૮ જેટલા ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ ૧૧ જેટલા ખલાસીઓ દરિયામાં હલાપતા બન્યા હતા. મંગળવારે દરિયામાં હવામાન એટલું ખરાબ હતું કે રેસ્ક્યૂ માટે કોસ્ટગાર્ડ અને હેલિકોપ્ટર પણ જઈ શકે તેમ ન હોવાથી લાપતા બનેલા ખલાસીઓના પરિવારજનો ચિંતાતૂર બન્યા છે. હાલ તો લાપતા બનેલા ખલાસીઓના પરિવારજનો દરિયાદેવ તેમનું રક્ષણ કરે અને હેમખેમ પરત આવે તેવી પ્રાર્થના કરી રહ્યાં છે. ૧૧ ખલાસીઓ ૪૮ કલાકથી હલાપતા બન્યા હોવાથી દરિયાકાંઠાના તમામ ગામોમાં ચિંતાનો માહોલ જાવા મળી રહ્યો છે.

ધારાસભ્ય ગાંધીનગરથી જાફરાબાદ દોડી આવ્યા
જાફરાબાદની બે બોટ ડૂબી ગયાના સમાચાર ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને મળતા તેઓ પણ તાત્કાલિક મોડીરાત્રે જાફરાબાદ ખાતે દોડી આવ્યા હતા. જયાં જાફરાબાદ બંદર ચોક છાપરી ખાતે ખારવા અને કોળી સમાજની બોટના માલિકો સાથે ચર્ચાઓ કરી હતી અને શક્ય એટલી તમામ મદદની ખાતરી આપી હતી.

દરિયાકાંઠે લાંગરેલી બોટ પણ ડૂબી
દરિયામાં ભારે કરંટ જાવા મળતા દરિયાના મોજાની થપાટ બોટને લાગી રહી છે. ભારે થપાટને કારણે દરિયાકાંઠે લાંગરેલી ગણેશ પ્રસાદ નામની બોટમાં ગાબડુ પડી જતા બોટ ડૂબી હતી. ખલાસી વિના લાંગરેલી બોટ દરિયામાં ડૂબી જતા બોટ માલિકને ભારે નુકસાન થયુ હતું.

દહાણુના દરિયા કિનારે જાફરાબાદની બોટ બંધ પડી
જાણવા મળતી માહિતી મુજબ માછીમારી કરવા માટે ગયેલી જાફરાબાદની બોટમાં પાણી ભરાઈ જતા મહારાષ્ટ્રના દહાણુના દરિયા કિનારાથી ૧ર નોટીકલ માઈલ દૂર બંધ પડી ગઈ હતી. જેથી દહાણુના દરિયામાં માછીમારી કરી રહેલી જાફરાબાદની બોટ દ્વારા બોટમાં સવાર ૮ ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા તો એક ઉનાના નવાબંદરની બોટનું એÂન્જન બંધ પડી જતા તેમાં સવાર ૮ ખલાસીઓને જાફરાબાદ લાવવામાં આવ્યા છે અને બોટને લાંગરી નવાબંદર ખાતે લઈ જવામાં આવી હતી તેમ ઈન્ચાર્જ એડીએફ કે.એન. સિકોતરીયાએ જણાવ્યું હતું.

જિલ્લા પોલીસ વડા સંજય ખરાત જાફરાબાદ પહોંચ્યા
જાફરાબાદના દરિયામાં ત્રણ બોટની જળસમાધિ થઈ હોવાના સમાચાર મળતા જ જિલ્લા પોલીસ વડા સંજય ખરાત પણ જાફરાબાદ ખાતે દોડી ગયા હતા અને બચાવ અને રાહત કામગીરી પર નજર રાખી રહ્યાં છે. કોસ્ટગાર્ડ સાથે પોલીસ સંકલનનું કામ કરી રહી છે. દરિયા કિનારા નજીક કોઈએ જવુ નહી તે માટે લોકોને સૂચન પણ કરવામાં આવ્યુ છે અને સાથોસાથ કોસ્ટ પેટ્રોલીંગ પણ કરવામાં આવી રહ્યુ છે તેમ એસ.પી. સંજય ખરાતે જણાવ્યું હતું.

ગુજરાતની બોટ મહારાષ્ટ્રના દરિયા કિનારે લાંગરી શકાશે
હવામાન ખાતાના અહેવાલ મુજબ, તાજેતરમાં અરબી સમુદ્રમાં હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિ છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ, શિયાળબેટ, ચાંચબંદર, નવા બંદર, રાજપરા, સિમર-ખડાબંદર સહિતના બંદરો પરથી અને રાજયભરના દરિયાઇ વિસ્તારોમાંથી માછીમારો દરિયો ખેડવા માટે જાય છે. દરિયામાં, વરસાદ અને ભારે પવન ફૂંકાવાની સ્થિતિને ધ્યાને લઇ માછીમારો મધદરિયે હોય કે મહારાષ્ટ્ર રાજયની દરિયાઇ સીમામાં હોય તો તે બોટ, જહાજ અને માછીમારોની સલામતી અર્થે કામચલાઉ રીતે આશ્રય મળી  રહે તે માટે રાજય સરકાર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજયના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા મહારાષ્ટ્ર રાજયના મત્સ્યોદ્યોગ વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. પ્રતિકૂળ હવામાનની સ્થિતિની બાબતને ધ્યાને લઇ ગુજરાત રાજયના માછીમારોને મહારાષ્ટ્રના પાલઘર, થાણે, મુંબઈ ઉપનગર, મુંબઈ શહેર, રાયગઢ અને રત્નાગિરી સિંધુદુર્ગ સહિતના વિસ્તારોમાં આશ્રય મળી રહે તે માટે મહારાષ્ટ્ર રાજયના મત્સ્યઉદ્યોગ (દરિયાઈ)ના સંયુક્ત કમિશનર દ્વારા ફિશરીઝના આસિસ્ટન્ટ કમિશનરોને સૂચના આપવામાં આવી છે.

જાફરાબાદ બંદર પર ૩ નંબરનું સિગ્નલ
હવામાનની સ્થીતિને જાતા ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા જાફરાબાદ બંદર ખાતે સિગ્નલ નં.૦૩ લગાડવામાં આવ્યું છે. આ માટેની જરૂરી આનુષંગિક વ્યવસ્થા જાફરાબાદ લાઈટ હાઉસ ખાતે કરવામાં આવી છે.

લાપતા થયેલા ખલાસીઓના પરિવારજનોની ધારાસભ્યને રજૂઆત
જાફરાબાદની બે બોટના મળી કુલ ૧૧ ખલાસીઓ લાપતા હોવાથી પરિવારજનો આતુર નજરે ખલાસીઓની રાહ જાઈ રહ્યાં છે. આ લખાય છે ત્યાં સુધી હજુ એકપણ લાપતા થયેલા ખલાસીઓનો પત્તો લાગ્યો નથી. જેથી લાપતા થયેલા ખલાસીઓના પરિવારજનોએ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને રજૂઆત કરી હતી. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પણ રાજય સરકાર અને તંત્ર દ્વારા શક્ય હશે તેટલી મદદ કરવાની ખાતરી આપી હતી. ખલાસીઓના પરિવારજનો બે દિવસથી ઉંઘી શક્યા નથી.

પાંચ કલાક સુધી દરિયામાં તરતા રહ્યા: સુકરભાઈ ખલાસી
જાફરાબાદના દરિયામાંથી જે ખલાસીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ હતું તેમાંના એક ખલાસી સુકરભાઈ શામજીભાઈ શિયાળે જણાવ્યું હતું કે માછીમારી કરી રહ્યાં હતા ત્યારે સાંજના ૪ કલાકે અચાનક જ દરિયો ગાંડોતૂર બન્યો હતો અને બોટ હાલકડોલક થવા લાગી હતી. અમારી બોટમાં ૧૦ ખલાસીઓ સવાર હતા જેમાંથી અમો ૭ ખલાસીઓ કાચની બારી તોડી દરિયામાં કુદયા હતા અને ત્રણ ખલાસીઓ બોટની નીચેના ભાગમાં આવેલી કેબીનમાં હતા. અમો દરિયામાં છલાંગ લગાવતી વખતે અમારી પાસે મોટુ ફાઈબરનું ઢાંકણુ હોવાથી તેના પર બેસી ગયા હતા. દરિયામાં દૂર બોટ દેખાતી હતી પરંતુ અમારો અવાજ ત્યાં સુધી પહોચ્યો નહોતો. પાંચ કલાક બાદ રાત્રીના ૯ કલાકે જાફરાબાદની એક બોટ દ્વારા અમોને બચાવી લેવામાં આવ્યા હતા. પાંચ કલાકમાં અમો ભગવાન ભાળી ગયા હતા. અમારી બોટના લાપતા થયેલા ખલાસીઓ સહિત અન્ય બોટના ખલાસીઓ સહી સલામત પરત આવી જાય તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છીએ તેમ અંતમાં સુકરભાઈએ જણાવ્યું હતું.

ભારે વરસાદ રેસ્ક્યૂમાં વિલન બન્યો
જાફરાબાદમાં મંગળવારે ભારે વરસાદ વરસ્યો હતો અને ભારે પવનને કારણે દરિયા ગાંડોતૂર બન્યો હતો. બગડેલા હવામાનને કારણે લાપતા થયેલા ખલાસીઓને શોધવા માટે વિલંબ થયો હતો. જા હવામાન સારૂ થયું હોત તો તંત્ર દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ હાથ ધરવામાં કોઈ જ મુશ્કેલી થાત નહી. બુધવારે પણ સવારથી વાતાવરણ ખરાબ રહેતા રેસ્ક્યૂ ટીમને મુશ્કેલી પડી રહી હતી. જા કે થોડુ હવામાન સારૂ થતા જ કોસ્ટગાર્ડ, હેલિકોપ્ટર, એરક્રાફટ દ્વારા ખલાસીઓને શોધવા માટે રેસ્ક્યૂની કામગીરી કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીને ઘટનાથી વાકેફ કરવામાં આવ્યા
ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને માછીમાર બોટ એસો.ના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનિક વાત કરી ઘટનાની જાણકારી આપી હતી. મુખ્યમંત્રીએ પણ રાજય સરકાર અને વહીવટીતંત્ર દ્વારા તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.

જાફરાબાદ કોળી સમાજની ૬ બોટ દહાણુ બંદરે લાંગરવામાં આવી
જાફરાબાદના દરિયામાં ભારે કરંટ હોવાથી ૧પ ફૂટ જેટલા મોજા ઉછળી રહ્યાં હતા. જેથી માછીમારી કરવા ગયેલી કોળી સમાજની ૬ જેટલી બોટ પરત ફરી શકે તેમ ન હોવાથી દહાણુના દરિયા કિનારે લાંગરવામાં આવી છે. વાતાવરણ સારૂ થાય પછી આ બોટ પરત આવશે તેમ હમીરભાઈ સોલંકીએ જણાવ્યું હતું.

હજુ ૭૦ની આસપાસ બોટ દરિયામાં
જાફરાબાદમાં ૭૦૦થી વધુ બોટ આવેલી છે તેમાંની પ૦૦ જેટલી બોટ પરત કાંઠે આવી ગઈ છે પરંતુ હજુ ૭૦ની આસપાસ બોટ દરિયામાં ફસાયેલી છે. આ બોટને દરિયાકાંઠા પર પરત લાવવા માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ તમામ બોટ સુખરૂપ રીતે આવી જાય તે માટે સમગ્ર જાફરાબાદ શહેર માછીમારો માટે પ્રાર્થના કરી રહ્યું છે.

માછીમારોને શોધવા રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
જાફરાબાદ અને રાજપરાની બોટ ડૂબી જતા ત્રણેય બોટના ૧૧ જેટલા માછીમારો હલાપતા બન્યા છે ત્યારે આ અંગે જાફરાબાદ ખાતે પહોંચેલા કલેકટર વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું હતું કે, માછીમારોને શોધવા માટે કોસ્ટગાર્ડની બે મોટી બોટની મદદ લેવામાં આવી રહી છે તેમજ ચોપર પણ આવી ગયા છે અને પોરબંદરથી એરક્રાફટ પણ રેસ્ક્યૂ ઓપરેશન કરી રહ્યું છે તેમજ જે બોટ દરિયામાં છે અને તેના એન્જિન બંધ પડી ગયા છે તેને લાવવા માટે હોવરક્રાફટની પણ મદદ લેવામાં આવી રહી છે.

રેસ્ક્યૂ કરાયેલા ખલાસીઓને જાફરાબાદ લવાયા
જાણવા મળતી માહિતી મુજબ જાફરાબાદની બે અને રાજપરાની એક બોટ ડૂબતા ૧૮ જેટલા ખલાસીઓનું અન્ય બોટ મારફતે રેસ્ક્યૂ કરાયું હતું. આ રેસ્ક્યૂ કરાયેલા ખલાસીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે દરિયાઈ એમ્બુલન્સ મારફતે જાફરાબાદ બંદર ખાતે લાવવામાં આવ્યા હતા જયાં તમામ ઈજાગ્રસ્ત ખલાસીઓને જાફરાબાદ, રાજુલા દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક ખલાસી ગંભીર હાલતમાં હોવાથી મહુવા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

બે બોટ બંધ પડી જતા ખલાસીઓનું રેસ્ક્યૂ કરાયું
જાફરાબાદના મધદરિયે સાઈકૃપા અને ખોડીયાર કૃપા નામની બે બોટના એન્જિન બંધ પડી જતા બોટ દરિયામાં ફસાયેલી હતી. આ બંને બોટમાં ૮-૮ ખલાસીઓ હતા જેમને કોસ્ટગાર્ડ દ્વારા જાફરાબાદ બંદરે લાવવામાં આવી રહ્યાં છે.