અમરેલી જિલ્લાના જાફરાબાદ વિસ્તારના માછીમારો દરરોજ અરબી સમુદ્રમાં ઊંડે સુધી જઈ વિવિધ પ્રકારની માછલીઓનું શિકાર કરે છે. અહીં પકડાતી માછલીઓ માત્ર સ્થાનિક બજાર સુધી મર્યાદિત રહેતી નથી, પરંતુ ગુજરાત અને ભારતના અન્ય રાજ્યો ઉપરાંત વિદેશી બજારોમાં પણ નિકાસ કરવામાં આવે છે. માછીમારીનો વ્યવસાય દરિયાકાંઠાના હજારો પરિવારો માટે રોજગારીનું મુખ્ય સાધન બની રહ્યો છે અને સ્થાનિક અર્થતંત્રને પણ મહત્વપૂર્ણ આધાર પૂરો પાડે છે. જાફરાબાદના માછીમારો સામાન્ય રીતે દરિયામાં ૩૦થી ૪૦ નોટિકલ માઈલ સુધીનું અંતર કાપીને માછીમારી કરે છે. દરિયાના ઊંડાણમાં વિવિધ જાતોની કિંમતી અને વ્યાવસાયિક રીતે મહત્વપૂર્ણ માછલીઓ મળી આવે છે. પકડાયેલી માછલીઓના કદ, ગુણવત્તા અને બજારમાં રહેલી માંગના આધારે તેના ભાવ નક્કી થાય છે. કેટલીક માછલીઓ સ્થાનિક બજારમાં વેચાય છે, જ્યારે કેટલીક માછલીઓ મોટા વેપારીઓ મારફતે દેશના વિવિધ શહેરો તેમજ વિદેશમાં મોકલવામાં આવે છે. ખારવા સમાજના ધર્મેશભાઈ બારૈયાના જણાવ્યા મુજબ તેઓ વર્ષોથી માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના જણાવ્યા અનુસાર દરિયામાં અનેક પ્રકારની માછલીઓ મળી આવે છે અને દરેક માછલીની બજાર કિંમત અલગ હોય છે. માછલી પકડ્‌યા બાદ તેને તાજી રાખવા માટે બોટમાં જ કોલ્ડ સ્ટોરેજની સુવિધા ઉપલબ્ધ હોય છે. દરિયાની સફર પૂર્ણ કરીને કિનારે પરત ફર્યા બાદ માછલીઓની હરાજી અથવા સીધી વેચાણ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જાફરાબાદ વિસ્તારમાં પકડાતી ગોલ માછલી સૌથી કિંમતી ગણાય છે. આ માછલીનો ભાવ સામાન્ય રીતે પ્રતિ કિલોગ્રામ રૂ.૩૫૦૦થી રૂ.૪૦૦૦ સુધી રહે છે. ગોલ માછલીમાં નર અને માદા એમ બે પ્રકાર જોવા મળે છે અને બંનેના ભાવમાં તફાવત હોય છે. ખાસ કરીને નર ગોલ માછલીનો ભાવ કેટલીક વખત પ્રતિ કિલોગ્રામ રૂ.૫૦૦૦ સુધી પહોંચી જાય છે.આ ઉપરાંત પાપલેટ માછલીનો ભાવ સામાન્ય રીતે રૂ.૧૦૦૦થી રૂ.૧૨૦૦ પ્રતિ કિલોગ્રામ રહે છે. સમડે અને બુમલા માછલીઓનો ભાવ આશરે રૂ.૨૦૦થી રૂ.૩૦૦ પ્રતિ કિલોગ્રામ સુધી રહે છે. માછીમારો માટે માછલીઓની ગુણવત્તા જાળવવી અત્યંત જરૂરી હોવાથી બોટ તેમજ દરિયાકાંઠે આધુનિક કોલ્ડ સ્ટોરેજની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ વ્યવસ્થાના કારણે માછલીઓને બે મહિના સુધી સુરક્ષિત રીતે સાચવી શકાય છે. માછીમારોની મહેનત અને આધુનિક સંગ્રહ સુવિધાના પરિણામે જાફરાબાદની માછલીઓ આજે દેશ અને વિદેશના બજારોમાં આગવી ઓળખ બનાવી રહી છે.