જાફરાબાદ નજીક અરબી સમુદ્રમાં માછીમારી દરમિયાન એક કરુણ દુર્ઘટના સર્જાઈ છે. ‘અકબરી કસ્તી’ નામની બોટ પર કામ કરતા ખલાસી મોહનભાઈ પુંજાભાઈ શિયાળ માછીમારીની જાળ નાખતી વખતે અચાનક દોરડાની અડફેટે આવી જતા તેમનો પગ ગંભીર રીતે કપાઈ ગયો હતો.
આ કટોકટીના સમયે બોટના અન્ય ખલાસીઓએ સુઝબુઝ વાપરીને તાત્કાલિક પીપાવાવ કોસ્ટગાર્ડ અને બોટ એસોસિએશનના પ્રમુખને જાણ કરી હતી. પીપાવાવ કોસ્ટગાર્ડની ટીમે ત્વરિત મધદરિયે પહોંચી ઇજાગ્રસ્ત યુવાનને પ્રાથમિક સારવાર આપી હતી અને તાત્કાલિક કિનારે લાવ્યા હતા. જાફરાબાદ હોસ્પિટલમાં પ્રાથમિક તપાસ બાદ હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે ભાવનગર રિફર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, હજુ બે દિવસ પહેલા જ એક ખલાસી લાપતા બન્યો હતો જેની શોધખોળ ચાલુ છે, ત્યાં આ બીજી ઘટનાથી સ્થાનિક માછીમારોમાં ચિંતાનો માહોલ છે. જોકે, કોસ્ટગાર્ડ અને મરીન પોલીસની સતર્ક અને ઝડપી કામગીરીની સરાહના થઈ રહી છે.








































