જાફરાબાદ તાલુકાના સામાકાંઠા વિસ્તારમાં રહેતા લોકો પાણી અને ગંદકીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વોર્ડ નંબર ૩ અને ૪ના રહીશોએ જાફરાબાદ નગરપાલિકા અને મામલતદાર કચેરીને લેખિતમાં રજૂઆત કરી છે. રહીશોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં પીવાનું પાણી અનિયમિત મળે છે. ૨૦ થી ૨૨ દિવસે એકવાર જ પાણી આવતું હોવાથી લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. આ વિસ્તારમાં ખારાશવાળું પાણી હોવાથી બોરિંગ કે દારની વ્યવસ્થા કરી શકાતી નથી. આ સમસ્યાને લઈને પહેલા પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા. રાણા બાલાના રામાપીર મંદિરની બાજુમાં આવેલ શોષખાડામાં પાણીનું શોષણ ન થતાં ગંદકી ફેલાયેલી છે અને જીવાતો પણ ઉત્પન્ન થઈ છે. નકટાની વાવ અને લોકીવિરાની બાજુમાં આવેલ શોષખાડામાં પણ સમાન સ્થિતિ છે. આના કારણે આસપાસના રહેવાસીઓના આરોગ્યને જોખમ છે. ધર્મેશભાઈએ નગરપાલિકા, મામલતદાર કચેરી અને કલેક્ટર કચેરીને અરજી કરી છે. તેમણે ચેતવણી આપી છે કે, જો યોગ્ય પગલાં ન લેવામાં આવે તો નાગરિકો ગાંધી ચિંધ્યા માર્ગે જન આંદોલન કરશે.