જાફરાબાદના નાગેશ્રીની સ્કુલમા ધોરણ-૧૨મા છાત્ર છાત્રા સાથે ભણતા હોય છાત્રાએ સવારે ફોન કરી છાત્રને પોતાના ઘરે બોલાવ્યા બાદ માથાકુટ થતા છાત્રાના ભાઇએ યુવકને પેટમા છરીનો એક ઘા મારી હત્યા કરી નાખતા આ વિસ્તારમા ચકચાર મચી છે. પોતાની બહેનને પરેશાન કરતો હોવાથી તેણે આ યુવકની હત્યા કરી હોવાનુ પોલીસને જણાવ્યું હતુ. જો કે ઘટના પાછળ પ્રેમસંબંધની પોલીસે આશંકા વ્યકત કરી છે. જાફરાબાદ તાલુકાના મીઠાપુર ગામે ગઇકાલે બપોરે બની હતી. જયાં નાગેશ્રીમા પહેલી પાટીમા બારૈયા શેરીમા રહેતા જયદીપ જીણાભાઇ પરમાર (ઉ.વ.૧૮) નામના યુવકની મીઠાપુરના અંકુશ ઉર્ફે હકો મનુભાઇ બાંભણીયા નામના શખ્સે છરીનો ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. જયદીપ પરમાર અને અંકુશની બહેન બંને ધોરણ ૧૨માં જાફરાબાદની એસ.કે.વરૂ માધ્યમિક શાળામાં સાથે અભ્યાસ કરતા હતા. શુક્રવારે સવારે છાત્રાએ ફોન કરીને જયદીપને પોતાના ઘરે બોલાવ્યો હતો. આ સમયે છાત્રાની બે અન્ય બહેનો ઘરે હાજર હતી. જયારે તેનો ભાઇ અંકુશ વાડીએ ગયો હતો. છાત્રાની બહેનોએ ફોન કરીને ભાઇને ઘરે બોલાવ્યો હતો. આ યુવાન પોતાની બહેનને પરેશાન કરતો હોય અંકુશે તેની સાથે માથાકુટ કરી હતી. બંને વચ્ચે બોલાચાલી થતા અંકુશે પોતાની પાસે રહેલી છરીનો એક ઘા જયદીપના પેટમાં મારી દીધો હતો. જેથી તે લોહીલુહાણ થઇ ઢળી પડયો હતો. આ યુવકને સારવાર માટે પ્રથમ રાજુલા દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે મહુવા દવાખાને રીફર કરાયો હતો. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ટ્રક ડ્રાઇવીંગનો વ્યવસાય કરતા જયદીપના પિતા જીણાભાઇ ભગવાનભાઇ પરમારે આ બારામા અંકુશ બાંભણીયા સામે નાગેશ્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવને પગલે સ્થાનિક સરપંચ અને અન્ય આગેવાનો પણ હોસ્પિટલે દોડી ગયા હતા. પોલીસે યુવકની હત્યા મામલે અંકુશ બાંભણીયા સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી જેથી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા યુવકને ઝડપી લીધો હતો.