જાફરાબાદના દરિયાકાંઠે લાંગરેલી હજારો શીપને ફરીથી દરિયામાં જવા માટે મંજૂરી મળતા માછીમારોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને પગલે સલામતીના કારણોસર માછીમારોને દરિયાકાંઠે પાછા બોલાવી લેવામાં આવ્યા હતા, જેના કારણે તેમને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હતું. આ મુશ્કેલ પરિસ્થિતિમાં રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ તાત્કાલિક સરકારમાં માછીમારોની રજૂઆત કરી હતી. તેમની સતત રજૂઆતના પરિણામે, ગુજરાત સરકારે માછીમારોને ફરીથી ટોકન આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, કનૈયાલાલ સોલંકી અને ભગુભાઈ સોલંકી સહિતના માછીમારોના પ્રતિનિધિઓએ રાજ્યના મંત્રી રાઘવજીભાઈ પટેલને મળીને તેમની વેદના વર્ણવી હતી. તેમણે જણાવ્યું હતું કે ટોકન બંધ થવાના કારણે મોટાભાગની બોટ કિનારે પડી રહી હતી અને માછીમારો રોજીરોટી માટે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની ત્વરિત રજૂઆતને ધ્યાનમાં લઈને મંત્રી રાઘવજીભાઈ પટેલે તાત્કાલિક ટોકન આપવાની કામગીરી ફરીથી શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણયથી હવે માછીમારો ફરીથી પોતાની બોટ લઈને દરિયામાં માછીમારી કરવા જઈ શકશે.