જાફરાબાદમાં માછીમારોના સમુદ્રમાંથી ઈમરજન્સી સંપર્ક માટે ઉપયોગ થતું બીએસએનએલ કંપનીનું સ્કાયલો મેસેન્જર અચાનક જ બંધ કરી દેવાતા માછીમારોમાં ભારે રોષ ભભૂક્યો છે. મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા માછીમારોને
તા.૧-૬-રર થી તા.૩૧-૭-રર સુધી દરિયામાં માછીમારી પર પ્રતિબંધ મૂકાયો છે. જેને લઈ બોટો દરિયામાંથી પરત આવવા લાગી છે અને ક્રેન દ્વારા ઉપર લેવામાં આવી રહી છે. પરંતુ ભારે પવનના કારણે વાયરલેસ દ્વારા સંપર્ક થતો ન હોય દરિયામાંથી બોટો પરત બોલાવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્કાયલો મેસેન્જર જે બીએસએનએલના કનેક્શન સાથે માછીમારોએ સ્વખર્ચે વાસાવેલું છે. જે જ્યાં પણ બોટ હોય તેઓને ઈમરજન્સીમાં મેસેજ દ્વારા સંપર્ક કરી શકાતો હતો. પરંતુ સરકાર દ્વારા કોઈ કારણ જણાવ્યા વિના અચાનક જ છેલ્લા ત્રણ માસથી આ સેવા બંધ કરી દેવાઈ છે. જેથી માછીમારોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. જાફરાબાદ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું કે, છેલ્લા ઘણા વર્ષોથી માછીમારોની માંગણી છે કે, માછીમારોને પ૦ ટકા સબસિડીમાં સેટેલાઈટ ફોન આપવામાં આવે પરંતુ દર વર્ષે કરોડો રૂપિયા કમાવી આપનાર માછીમારોને આ અતિ આવશ્યક સુવિધા પુરી પાડવામાં સરકાર શા માટે ઓરમાયું વર્તન કરે છે તેવા સવાલો ઉઠી રહ્યા છે.