આજે અમરેલી સહિત ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે પોલીસ બુટલેગરો તેમજ માથાભારે ઈસમો સામે કડક હાથે કામ કરી રહી છે. જાફરાબાદના ભાડામાં રહેતા બુટલેગરને રાજુલા સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટે અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાંથી હદપારનો હુકમ કર્યો હતો. જાફરાબાદના ભાડામાં મફતપ્લોટ વિસ્તારમાં રહેતા સોમા હમીરભાઈ જાદવ સામે નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં દારૂના ૭ ગુના નોંધાયા હતા. ત્યારે લોકસભાની ચૂંટણીને પગલે માથાભારે ઈસમો અને બુટલેગરોને પાસાથી માંડી તડીપાર સુધીની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે સોમા હમીરભાઈ જાદવ સામે રાજુલા સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ સમક્ષ પાસાની દરખાસ્ત રજૂ કરી હતી. રાજુલા સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ ડો. મેહુલ બરાસરાએ સોમા જાદવને ત્રણ માસ સુધી અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાંથી હદપાર કરવાનો હુકમ કર્યો હતો. નાગેશ્રી પોલીસે તેમને હદપાર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.